અમદાવાદ,તા.૯
ગરીબ આવાસ યોજનાના નામે મકાન આપવાની લાલચ આપીને ગરીબોને જ છેતરી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે હવે ગઠિયાઓને પણ જાણે માનવતા મરી પરવારી હોય તેમ ગરીબોને છેતરવામાં જરાય સંકોચ થતો નથી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા દિપીકાબહેન દાંતણીયાએ પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે પાલડી ભઠ્ઠા નિરાકંઠ પ્લાઝામાં ત્રીજા માળે યુનિટી ફાઉન્ડેશન નામની ઓફિસ ખોલીને આરોપી દિપકસિંહ રાજપુત, ભરત સોની અને ધર્મેશ દાંતણીયાએ લોકોને ગરીબ આવાસ યોજના હેઠળ મકાન આપવાની લાલચ આપી હતી. મકાનના નામે તમામ લોકો પાસેથી ટુકડે-ટુકડે રૂા.૩૬,૩૬, ૬ર૦ ઉઘરાવી મકાન આપ્યું નહીં. અને તમામ લોકો સાથે છેતરપિંડી કરી છે. આ ફરિયાદના આધારે પાલડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે.