પાલિતાણા,તા.૧૧
ભારત સહિત વિશ્વભરમાં દરેક ધર્મના લોકોમાં આદરપ્રિય સ્થાન ધરાવનાર તથા અજમેર ખાતે આવેલ સુપ્રસિદ્ધ હઝરત ખ્વાજા ગરીબ નવાઝ(ર.અ.)ની શાનમાં સાધુ જેવા લાગતા શૈતાન શખ્સે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણી કરતા ગરીબ નવાઝ (ર.અ.)ના કરોડો અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ અંગે ઠેરઠેરથી ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે તથા આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મુસ્લિમ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન પાઠવી આ શૈતાન શખ્સ સામે એફઆઈઆર નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ સહિતના અકીદતમંદો ખ્વાજા સાહેબમાં અનેરી શ્રદ્ધા ધરાવે છે. કોમી એકતા તથા ભાઈચારાના પ્રતિકસમાં ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં સાધુ જેવા લાગતા શખ્સે કટ્ટર ઝેર ઓકી અપમાનજનક અને અભદ્ર વાણી વિલાસ કરતા તેના ભારત સહિત વિશ્વભરમાં ઘેરા પડઘા અને પ્રત્યાઘાત પડયા છે અને ઉગ્ર વિરોધનો વંટોળ ઉભો થયો છે. ઠેર ઠેરથી વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે અને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે. જેમાં મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણની આગેવાનીમાં રાજયભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજરોજ મુસ્લિમ એકતા મંચ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના અલ્લારખભાઈ બુકેરા, આરીફભાઈ સમા ડુંગરપુર, મલેક મુનાફભાઈ, બોસમર ઈમ્તિયાઝભાઈ, સૈયદ ઈકબાલભાઈ, કુરૈશી શકીલભાઈ, ખોખર ઈકબાલભાઈ, ડોડિયા સાહિલભાઈ, બાનાફ શકીલભાઈ, ચાવડા જાહિદભાઈ, લાખાણી રિયાઝભાઈ, પરમાર તૌસિફભાઈ સહિતના આગેવાનોએ પાલિતાણા તાલુકાના મામલતદારને આવેદનપત્ર પાઠવી ઝેર ઓકનાર શૈતાન શખ્સ સામે એફઆઈઆર દાખલ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.