અમદાવાદ,તા.૧૮
સમગ્ર દેશ જયારે કોરોના વાયરસની સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે ન્યૂઝ-૧૮ ઈન્ડિયાના એન્કર અમિશ દેવગણે ભારતમાં અવ્યવસ્થા સર્જાય, બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાય, હુલ્લડ થાય સુલેહશાંતિનો ભંગ થાય તથા ભારત દેશની એકતા જોખમાય તેવા બદઈરાદા અને ગુનાહિત માનસિકતા સાથે મહાન સુફીસંત ખ્વાજા ગરીબ નવાઝ મુઈનુદ્દીન ચિશ્તી (રહે.)ની શાનમાં અપમાનજનક ભાષાનો ઉચ્ચારણ કરેલ છે. જેને ગુજરાત ચાંદ કમિટીએ વખોડી તેની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય તપાસ કરવાની માગ સાથે ક્રાઈમ બ્રાન્ચમાં તથા પોલીસ કમિશનરને રૂબરૂ મળી ફરિયાદ કરી છે.
ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં તૌહીન કરનાર ન્યૂઝ એન્કર અમિશ દેવગણ વિરૂદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમો ૧પ૩, ૧પ૩-એ, ૧પ૩-બી, ર૯પ-એ, ર૯૮, પ૦૦, પ૦પ (૧) (સી), પ૦પ (ર), ર૯૮ હેઠળ એફઆઈઆર રજિસ્ટર્ડ કરી, તેની તાત્કાલિક ધરપકડ કરવી એવી રજૂઆત ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહેમદ સિદ્દીકી તરફથી કરવામાં આવી છે. ગુજરાત ચાંદ કમિટીના પ્રતિનિધિ મંડળમાં પ્રમુખ મુફતી શબ્બીર અહેમદ સિદ્દીકી, જનરલ સેક્રેટરી મુનીર અહેમદ કલિમી, સેક્રેટરી ફારૂક કંસારા, એડવોકેટ ઈલ્યાસખાન પઠાણ તથા એડવછોકેટ અસદખાને રૂબરૂમાં પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર અજય તોમર સાથે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ ગાયકવાડની હવેલી ખાતે તથા પોલીસ કમિશનર અમદાવાદ શહેર આશિષ ભાટિયાની રૂબરૂ કમીશનર ઓફિસમાં શાહીબાગ ખાતે મુલાકાત લઈ ન્યૂઝ એન્કર અમિશ દેવગણ વિરૂદ્ધ એફઆઈઆર રજિસ્ટર્ડ કરી તેની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં ગુસ્તાખી બદલ
ગુજરાત મિલ્લી કાઉન્સિલે અમીષ દેવગનની નિંદા કરી

(એજન્સી) અમદાવાદ, તા.૧૮
વિશ્વ પ્રસિદ્ધ સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં ગુસ્તાખી કરવા બદલ ગુજરાત મિલ્લી કાઉન્સિલે અમીષ દેવગનની ટીકા કરી હતી. ન્યૂઝ-૧૮ પર ટી.વી. ચર્ચાના એક કાર્યક્રમ દરમ્યાન અમીષ દેવગને મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.) સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલ તથા ગુજરાત મિલ્લી કાઉન્સિલે ટીવી એન્કર અમીષ દેવગનના આ કૃત્યની નિંદા કરી હતી. ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ રિઝવાન તારાપુરીએ અપમાનજનક ટિપ્પણી બદલ આ ટીવી એન્કર સામે આકરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે. તેમણે માંગ કરી હતી કે આ કૃત્ય બદલ અમીષ દેવગન પોતાના ટીવી કાર્યક્રમ પર માફી માંગે. તે નફરત ફેલાવનાર છે અને આ અપમાન બદલ તેની ધરપકડ થવી જોઈએ. આ પત્રકારત્વ નથી પણ સ્પષ્ટ રીતે શૈતાની પત્રકારત્વનો નમૂનો છે.