સુરત, તા.૨૦

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી તે ઉક્તિને સુરતની અસ્માખાને સાર્થક કરી છે. ગર્ભાવસ્થાને પૂરા નવ મહિના થઈ ગયા છતાં આવતીકાલથી શરૂ થતી એમબીએની પરીક્ષા આપવા તેણીમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સુરતના નાનપુરા ખાતે રહેતી અસ્માખાને નાનપણથી જ અનેક મુસીબતો વેઠી છે. જેમાં તેણીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ધો.૧ર પાસ કર્યા પછી કે.પી. કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો એ દરમિયાન તેણીના લગ્ન શાદખાન સાથે થયા, શાદખાને વિશ્વ વિખ્યાત કવિ દુષ્યંતકુમારની કવિતા પર મહાનિબંધ લખીને ડૉક્ટરની ડિગ્રી મેળવી છે. શાદખાને પત્ની અસ્માને ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધવા પ્રેરણા આપી, જેથી તેણીએ એમબીએમાં પ્રવેશ મેળવ્યો. આવતીકાલ સોમવારથી ચોથા સેમેસ્ટરની પરીક્ષા શરૂ થઈ રહી છે, જે માટે તેણી રાત-દિવસ તૈયારીઓ કરી રહી છે. અસ્માખાન ગર્ભવતી છે જેને નવ મહિના પૂરા થઈ ગયા છે, જેથી ગમે ત્યારે પ્રસૂતિ થઈ જાય તેવી શક્યતા છે. જો કે, તેણીના ભવિષ્યને લઈ પતિ અને સાસરિયાઓનો પૂરો સપોર્ટ છે.

મુસ્લિમ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ તરફ વાળવા સામાજિક ચેતના જરૂરી

સામાજિક રીતે અત્યંત પછાત રહી ગયેલા મુસ્લિમ સમાજને આગળ વધારવા તેમજ ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધારવા માટે અનેક સ્વયંસેવી સંસ્થાઓ આગળ આવી છે. પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી ધાર્યા પરિણામ મળી શકતા નથી. ધો.૮મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી આની શરૂઆત કરવામાં આવે તો અત્યંત ઝડપથી સારા પરિણામ મળી શકે છે. એક કસ્ટડમ ડિપાર્ટમેન્ટના રિટાયર્ડ આસિસ્ટન્ટ કમિશનર ગુલામ રસૂલ ખત્રીએ “ગુજરાત ટુડે”ને જણાવ્યું છે.