નવી દિલ્હી,તા.૪
કેરળમાં એક ગર્ભવતી હાથણી સાથે થયેલ અમાનવીય ઘટના પર આખા દેશ સહિત હવે ક્રિકેટ જગતમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કેરળના મલપ્પુરમ જિલ્લામાં કેટલાક તોફાની તત્વોએ સગર્ભા હાથણીને ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવવું હતું. ફટાકડાની વાતથી અજાણ હાથણીએ પાઈનેપલ ખાઈ લેતા તે મોઢાંમાં ફૂટ્યા હતા અને તેને ગંભીર ઈજા થઇ હતી અને થોડા સમય પછી તેનું અને ગર્ભમાં રહેલા બચ્ચાનું મોત નીપજ્યું હતું. હાથણી ૧૮થી ૨૦ મહિના પછી મદનિયાંને જન્મ આપવાની હતી. માનવતાને શર્મસાર કરતી આ ઘટના સામે આવતા હવે આખા દેશમાં ગુસ્સો છે. સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે પોસ્ટ કરી લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ગુનેગારો સામે કડક વલણ અપનાવવા અને તેમના આકરી સજા કરવા માગ કરી રહ્યા છે. ત્યારે હવે આ દર્દનાક ઘટના પર વિરાટ કોહલીએ ગર્ભવતી હાથણીની એક પેઇન્ટિંગ પોસ્ટ કરી પોતાનું દર્દ લોકો સામે રજૂ કર્યું છે. કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાથણીની પેઇન્ટિંગ પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે,‘કેરળમાં જે થયું તે સાંભળીને ભયભીત થઈ ગયો છું. આવો, આપણે પ્રાણીઓ સાથે પ્રેમથી વર્તન કરીએ અને એવા કાયર કૃત્યોનો અંત લાવીએ.’