અમદાવાદ, તા.૫

ગુજરાતની ધરતી ખુશ્બુથી મહેકી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેતરો ફૂલોથી શોભી રહ્યા છે. બાગાયત વિભાગમાંથી પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે રાજ્યમાં વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ફૂલ-ઉત્પાદન ૧,૯૫,૯૯૨ મેટ્રીક ટને પહોંચ્યું છે. જો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો  રાજ્યમાં સૌથી વધુ ફૂલ-ઉત્પાદન મધ્ય ગુજરાતમાં થઈ રહ્યું છે. રાજ્યના કુલ ઉત્પાદન(૧,૯૫,૯૯૨ મેટ્રિક ટન)માંથી ૧.૦૯,૩૩૭ મેટ્રીક ટન ફૂલનું ઉત્પાદન માત્ર મધ્ય ગુજરાતમાં જ થયું છે. કુલ ઉત્પાદનના- ૫૫.૭૮ % થયા છે.

રાજ્યમાં સૌથી વધુ ફૂલ ઉત્પાદન મધ્ય ગુજરાત- ૧,૦૯,૩૩૭ મેટ્રીક ટન છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આ આંક ૬૩,૫૦૧ મેટ્રીક ટન છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ફૂલ-ઉત્પાદનનો આંક ૧૨,૬૫૮ મેટ્રીક ટને પહોંચ્યો છે. ઉત્તર ગુજરાતમાં ફૂલ ઉત્પાદનનો આંક – ૧૦,૪૯૬ મેટ્રીક ટન જેટલો રહ્યો.

સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લો ફૂલ-ઉત્પાદનમાં મોખરે છે. આ જિલ્લામાં ૨૪, ૪૫૨ મેટ્રીક ટન ફૂલ ઉત્પાદન થયું છે, બીજા ક્રમે આણંદ- ૨૦,૯૮૧ મેટ્રીક ટન  છે, જ્યારે ત્રીજા ક્રમે અમદાવાદ- ૨૦,૫૮૩ મેટ્રીક ટન છે.

ફૂલની વિવિધ જાતોના ઉત્પાદનને જોઈએ તો ગુલાબના ઉત્પાદનમાં ભરૂચ જિલ્લો પ્રથમ છે. ભરુચમાં ૬,૦૮૦ મેટ્રીક ટન ગુલાબનું  ઉત્પાદન થયું છે, જ્યારે વડોદરા ૫,૯૨૯ મેટ્રીક ટન ગુલાબ ઉત્પાદન થયું. અમદાવાદ જિલ્લો ૪,૬૪૯ મેટ્રીક ટન સાથે ત્રીજા ક્રમે રહ્યો છે.

ગલગોટા(મેરિગોલ્ડ)ના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લો અવ્વલ રહ્યો. અમદાવાદમાં ૯,૫૬૧ મેટ્રીક ટન ગલગોટાનું  ઉત્પાદન થયું, બીજા નંબરે દાહોદ રહ્યું. ગલગોટાનું ઉત્પાદન  થયું – ૮૮૦૦ મેટ્રીક ટન.ખેડામાં ૮,૧૫૭ મેટ્રીક ટનથી વધુ ગલગોટા ખીલ્યા.

મોગરાની ખેતીમાં વડોદરા અગ્રેસર છે. અહીં ૨૦૧૯-૨૦માં ૨,૫૦૮ મેટ્રીક ટન મોગરાનું ઉત્પાદન થયું. તો અમદાવાદમાં મોગરાનો ઉત્પાદન આંક -૧૬૭૪ મેટ્રીક ટન રહ્યો, જ્યારે ભરુચમાં તે ૧,૬૩૩ મેટ્રીક ટન રહ્યો છે.

લીલીના ફૂલોની ખેતીમાં નવસારી નંબર વન રહ્યું. દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં વર્ષ-ર૦૧૯-ર૦માં લીલીનું ઉત્પાદન ૧૪,ર૪૪ મેટ્રીક ટન થયું. બીજા ક્રમે ૯,૯૭૦ મેટ્રીક ટન સાથે આણંદ રહ્યું અને વલસાડ ૭,૦૮૯ મેટ્રીક ટન સાથે ત્રીજા ક્રમે રહ્યું છે.