(એજન્સી) તા.૩૦
છેલ્લા કેટલાક સપ્તાહથી વિદેશ મંત્રાલય દ્વારા દેશને સમયાંતરે એવી ખાતરી અને પુનઃ ખાતરી આપવામાં આવે છે કે ભારત અને ચીન વચ્ચે એલએસી પર આવેલ લદ્દાખની ગલવાન ખીણ અંગે કઇ ચિંતાજનક નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગલવાન ખીણમાં ચીનના સૈન્ય સાથેની અથડામણમાં એક કમાન્ડીંગ ઓફિસર સહિત ૨૦ ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ હાલ સરહદી વિસ્તારોમાં રહેતાં લદ્દાખના લોકો ચિંતિત છે. ડેમચોક વિસ્તારમાં ચીનની વધતી જતી પ્રવૃત્તિઓથી ચિંતિત નયોમા બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલના ચેરપર્સન ઉરગેને ફેસબુક પર જણાવ્યું છે કે ગલવાન ખીણમાં જે કંઇ બન્યું છે તે નવું નથી. આવું વર્ષોથી બનતું આવ્યું છે. લોકોમાં ગભરાટ અને ફફડાટ છે. લોકોને જેટલો ડર કોરોના વાયરસનો નથી તેનાથી વધુ ડર ચીનની ઘુસણખોરીનો અને યુદ્ધ જેવી સ્થિતિનો છે. અહીં બધા ગભરાયેલા છે કારણ કે યુદ્ધ જેવી સ્થિતમાં સરહદ પર વસતા લોકોને સૌપહેલા પરિણામોનો સામનો કરવો પડે છે. જ્યારથી ચીનની ઘુસણખોરી થઇ છે ત્યારથી ગલવાન ખીણના લોકોએ તેમના પશુઓ જ્યાં ચરી શકે એવી જમીન ગુમાવી દીધી છે અને આમ તેમની આજીવિકા સામે ખતરો ઊભો થયો છે. તેમણે જણાવ્યું હતું કે સરહદી પેટ્રોલિંગ પણ મર્યાદિત પ્રમાણમાં ચાલી રહ્યું છે. લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના મુખ્ય એક્ઝિક્યુટીવ કાઉન્સિલર અને પૂર્વ ચેરમેન રીક્ઝીન સ્પાલમારે જણાવ્યું હતું કે લદ્દાખીઓ માટે ઘૂસણખોરી એ કોઇ નવી વાત નથી. ચિંતાજનક વાત એ છે કે ચીની સૈન્યએ હજુ સંપૂર્ણપણે પીછેહટ કરી નથી. નેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા દ્રાસ સ્થિત ગુલામ રસુલ નગવીએ જણાવ્યું હતું કે લદ્દાખીઓ ખરેખર ભયભીત છે. તેમણે જણાવ્યું હતું કે લોકો ભયભીત અને દુઃખી છે કારણ કે ચીન દ્વારા જમીન હડપ કરવાના મામલે કેન્દ્ર સરકાર નિષ્ક્રિય રહી છે અને લદ્દાખીઓ આ રીતે મહેનત બાદ પ્રાપ્ત કરેલ જમીન ગુમાવી રહ્યાં છે. આમ ગલવાન ખીણમાં જ્યારથી અથડામણ થઇ છે ત્યારથી લદ્દાખીઓને અસુરક્ષા, ભય અને વિશ્વાસઘાતની અનુભૂતિ થઇ રહી છે.