(એજન્સી) નવી દિલ્હી,તા.૧૭
પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો પર નજર રાખવા અને તેમની ભાળ મેળવવા ચીન દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧પ જૂનની મધ્ય રાત્રે ગલવાન ખીણ ખાતે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) અને ભારતીય દળો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ હતી, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ ભારતીય સેના દ્વારા એકથી વધુ નિવેદનો જારી કરી જણાવવામાં આવ્યું હતું કે તણાવ ઘટાડવાની પ્રક્રિયા દરમ્યાન તેમની તરફથી એક ગોળી પણ છોડવામાં આવી ન હતી.
લદ્દાખ ખાતે અથડામણ બાદ ઈજાગ્રસ્ત સૈનિકોનો પત્તો મેળવવા ભારતીય સૈનિકો દ્વારા હેલિકોપ્ટરોની મદદ લેવાઈ હતી. સામ-સામે થયેલી ઝપાઝપી બાદ હવાઈ નિરીક્ષણની મદદથી ગુમ થયેલા ઘણા સૈનિકોનો પત્તો મળ્યો હતો. ચીનની સેના દ્વારા પણ આ પ્રકારની હિલચાલ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. સત્તાવાર નિવેદન મુજબ લદ્દાખ સરહદે થયેલ અથડામણને કારણે ભારતના ર૦ સૈનિકો શહીદ થયા હતા કેટલાક ભારતીય સૈનિકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું હતું. દરમ્યાન સરહદ વિવાદ અને લદ્દાખ ખાતેની અથડામણ મુદ્દે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં સમાધાનકારી રસ્તો અપનાવવા વાત કરાઈ હતી.