(એજન્સી) તા.૧૪
લદ્દાખ સરહદે ગલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથેની અથડામણ બાદ ભલે ચીનમાં બનેલા ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દેવાઈ હોય પણ જૂન અને જુલાઈ મહિનામાં આયાત ઘટવાને બદલે વધી છે. જુલાઈ મહિનામાં ચીનથી ભારતે ૫.૬ અબજ ડોલરના સામાનની આયાત કરી છે. જુલાઈમાં સતત બીજા મહિનામાં ચીનથી આયાતમાં વધારો જોવા મળ્યો છે. જોકે ૨૦૧૯ની તુલનાએ ચીનથી આયાતનો આંકડો ૨૪ ટકા ઓછો થયો છે. સામાનની આયાત મામલે ભારતના સૌથી મોટા કારોબારી સહયોગી ચીનથી એપ્રિલ અને મેમાં ૩.૨ અબજ ડોલરના સામાનની આયાત કરાઈ હતી. આ આંકડો જૂન અને જુલાઈને જોતાં અત્યંત ઓછો હતો પણ તેનું કારણ દેશમાં લૉકડાઉન લાગુ થવું હતું. જોકે મે મહિના પછી ફરી એકવાર ચીનથી વસ્તુઓની આયાતમાં વધારો જોવા મળ્યો છે. જૂનમાં ચીનથી ૪.૮ અબજ ડોલરના ઉત્પાદનોની આયાત કરાઈ છે જોકે જુલાઈમાં ૫.૬ બિલિયન ડોલરના ઉત્પાદનોની આયાત કરાઈ છે. આ આંકડાથી સ્પષ્ટ છે કે ભારત ચીનથી સામાનની આયાતમાં ફરી એકવાર લૉકડાઉનથી પહેલાના લેવલ પર પહોંચવાની નજીક છે. માર્ચમાં આ આંકડો ૫.૮ બિલિયન ડોલરનો હતો. આર્થિક જાણકારો કહે છે કે કોરોના કાળમાં ચીનથી મેડિકલ ઉત્પાદનોની ભારે આયાત કરવામાં આવી રહી છે એટલા માટે આયાતમાં વધારો નોંધાયો છે. જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ગત ૭ મહિનામાં ભારતે ચીનથી ૩૨.૨ અબજ ડોલરના સામાનની આયાત કરાઈ છે, જે ગત વર્ષની તુલનાએ ૨૪.૭ ટકા ઓછી છે. ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સના રિપોર્ટ મુજબ એપ્રિલ અને મેમાં આયાત ખરાબ રીતે ઓછી થવાને લીધે આંકડામાં આ ઘટાડો નોંધાયો છે. બંને દેશો વચ્ચે ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈના સમયગાળામાં કુલ ૪૩.૩૭ અબજ ડોલરનો કારોબાર થયો છે પણ તેમાં ચીનનું પલડું ભારે રહ્યું છે. ચીનમાં ભારતના ફક્ત ૧૧ અબજ ડોલરના ઉત્પાદનોની નિકાસ થઈ છે.