નવી દિલ્હી, તા.૬
રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીની ફાઇનલમાં બંગાળની સામે રમી શકશે નહીં. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને કહ્યું કે, જાડેજા રણજી ફાઇનલમાં રમશે નહીં. દેશ પહેલા આવે છે એટલે જાડેજાને રણજી રમવાની પરવાનગી આપી શકાય નહીં.” ભારતે ૧૨ માર્ચથી દક્ષિણ આફ્રિકા સામે વનડે સીરિઝ રમવાની છે. તે દરમિયાન રણજી ફાઇનલ પણ ચાલતી હશે. બંગાળ ૧૩ વર્ષ પછી ફાઇનલમાં પહોંચ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર સતત બીજા વર્ષે ફાઇનલમાં રમશે.
એસસીએ પ્રેસિડેન્ટ જયદેવ શાહે કહ્યું કે, મેં ગાંગુલી જોડેથી જાડેજા રણજી ફાઇનલમાં રમી શકે તે માટે મંજૂરી માંગી હતી. જોકે બીસીસીઆઈ દેશ પહેલાની નીતિ પર ચાલે છે. તેથી જાડેજાને પરવાનગી મળી નથી.
શાહે વધુ ઉમેરતા કહ્યું કે, જો બીસીસીઆઈ ઈચ્છે છે કે વધુ લોકો ડોમેસ્ટિક મેચ જોવા આવે તો તેમણે રણજી ફાઇનલ વખતે ઇન્ટરનેશનલ મેચ ન રાખવી જોઈએ. શું બોર્ડ આઈપીએલ વખતે ઇન્ટરનેશનલ મેચ રાખે છે ? ઓછામાં ઓછું એટલું તો થઇ જ શકે છે કે સ્ટાર પ્લેયર્સ ફાઇનલમાં રમે. હું તો ઇચ્છુ છું કે મોહમ્મદ શમી પણ બંગાળ માટે રમે.