કરાચી, તા.૭
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના પ્રમુખ એહસાન મનિએ શનિવારે કહ્યું છે કે, એશિયા કપ ટ્‌વેન્ટી-ર૦ ટુર્નામેન્ટ આ વર્ષના અંતમાં તટસ્થ સ્થાને આયોજિત કરવામાં આવશે. આ રીતે પીસીબી પ્રમુખે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નિવેદનનું સમર્થન કર્યું છે. જેમણે કહ્યું હતું કે, આ ટુર્નામેન્ટ દુબઈમાં રમાશે. મનિએ જો કે, થોડા દિવસ પહેલાં ગાંગુલીના આ નિવેદન પર અસહમતિ વ્યક્ત કરી હતી કે ભારત સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં રમી શકે નહીં અને એટલા માટે એશિયા કપ દુબઈમાં રમાશે. મનિએ જો કે, પોતાની ગત ટિપ્પણીથી બિલકુલ વિપરીત નિવેદન આપ્યું છે. તેમણે ઈસ્લામાબાદમાં પત્રકારોને કહ્યું કે, આપણે એશિયન ક્રિકેટ પરિષદ (એસીસી)ના એસોસિએટ સભ્યોના હિતોને ધ્યાનમાં રાખવા પડશે. આપણે પાકિસ્તાનમાં ટુર્નામેન્ટની યજમાનીને લઈ જીદ પકડીને બેસી શકીએ નહીં કારણ કે, ભારત પાકિસ્તાનમાં આવવા તૈયાર નથી. વિકલ્પ એ જ છે કે, ટુર્નોમેન્ટ તટસ્થ સ્થળે આયોજિત કરવામાં આવશે પણ આ અંગે એસીસીએ નિર્ણય કરવાનો છે.