નવી દિલ્હી,તા.૮
સૌરવ ગાંગુલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષપદ માટે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રેમ સ્મિથ સહિત કેટલાક ક્રિકેટ નિષ્ણાતો દ્વારા ફેવરિટ ગણાવવામાં આવી રહ્યા છે અને એ માહોલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ પણ ગાંગુલીના નામને સમર્થન આપ્યું છે. જોકે, મેચ ફિક્સિંગના આક્ષેપ બાદ ક્રિકેટના મેદાન પરથી દૂર કરવામાં આવેલા કનેરિયાએ એક ભારતીય ચેનલને કહ્યું છે કે, ‘જો ગાંગુલી આઇસીસીના નવા અધ્યક્ષ બનશે તો હું મારા પરના પ્રતિબંધ સામે અપીલ નોંધાવીશ. મને ખાતરી છે કે મારો કેસ ગાંગુલી ઉકેલી શકશે અને એ સંબંધમાં તેમને પાક ક્રિકેટ બોર્ડની કોઈ મદદની જરૂર નહીં પડે.’ ગુજરાતી વૈષ્ણવ પરિવારના કનેરિયાએ ૨૦૧૨ની સાલમાં કાઉન્ટી ક્રિકેટમાં એસેક્સ ટીમ વતી રમીને સ્પોટ ફિક્સિંગ કર્યું હોવાનો તેના પર આક્ષેપ હતો અને ત્યારથી તેને રમવા નથી મળ્યું.