અમદાવાદ, તા. ૧૯
અમદાવાદ ખાતે સાબરમતી વિધાનસભા વિસ્તારના સર્વેશ્વર મંદિરથી શરૂ થયેલી ગાંધી સંકલ્પ યાત્રા સુભાષબ્રિજ આરટીઓ સર્કલ થઇ ગાંધીઆશ્રમ ખાતે પહોંચી હતી. આ ગાંધી સંકલ્પ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા સહિત પ્રદેશ અને શહેરના મુખ્ય આગેવાનો સાથે હજારો કાર્યકરોએ ગાંધીજીના વિચારોને પ્લે-કાર્ડ તથા ટેબ્લોના મારફતે પ્રજા સુધી પહોંચવા નમ્ર પ્રયાસ કર્યો હતો. ગાંધીનગર લોકસભા વિસ્તારની જનતા પણ સ્વયંભૂરીતે સમગ્ર ગાંધી સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર જોડાઈ હતી ત્યારબાદ ગાંધી આશ્રમ ખાતે યાત્રા સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે હૃદયકુંજ ખાતે ગાંધીજીના સ્મૃતિચિત્ર ઉપર સુતરની આંટી પહેરાવી સૌ મહાનુભાવોએ પૂજ્ય બાપૂને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વૈષ્ણવ જનની ધૂન સાથે દિપ પ્રાગટ્યથી આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી તોમરે તેમના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, ગાંધીજીના વિચારો શાશ્વત હતા છે અને રહેશે. ગાંધી સંકલ્પ યાત્રા દ્વારા ગાંધીજીના વિચારોને જનજન સુધી પહોંચાવાડની મહત્વપૂર્મ ભૂમિકા અદા કરનાર પ્રત્યેક કાર્યકરને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, મુલ્યનિષ્ઠ રાજનીતિ, સર્વધર્મ સમભાવ, એકાત્મ માનવદર્શન દ્વારા છેવાડાના માનવીનો ઉધ્ધાર, અતૂટ રાષ્ટ્રપ્રેમ, ખાદી દ્વારા સ્વદેશીનો વિચાર એ પૂજ્ય બાપુની વૈચારિક જીવનશૈલી છે. ગાંધીજીની કરણી, બોલી અને વચન એક હતા અને માટે જ દેશ અને દુનિયાએ તેમને મહાત્માનું બિરૂદ આપ્યું છે. ભાજપા પ્રદેશ પ્રમુખ વાઘાણીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીજીના મુલ્યો વિચારો અને આદર્શોને જીવંત રાખવા માટેની આ પદયાત્રા છે.