(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૩
વડોદરામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાનીમા ગાંધીનગરગૃહ ખાતે આંદોલનનાં કાર્યક્રમ દરમ્યાન ગાંધીજીની પ્રતિમાને કપડાંથી ઢાકી દેવાનાં બનેલા બનાવે ભારે વિવાદ ઉભો કર્યો હતો. આજે યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ગંગાજળ અને દુધથી સ્નાન કરાવી શુદ્ધ કરી હતી.
ભાજપ દ્વારા એક દિવસનાં ઉપવાસ દરમ્યાન ગાંધીનગરગૃહ ખાતે તાપથી બચવા તબ્બુ બાંધ્યો હતો. અહિંસક આંદોલનનાં પુજારી ગાંધીજીની પ્રતિમાને ઢાકી દેવામાં આવી હતી. ગાંધીજીની પ્રતિમા નીચે ભાજપ દ્વારા ઉપવાસ પર બેસતાં ભારે વિવાદ સર્જાયો હતો. ગાંધીનગરગૃહ ખાતે ઉપવાસ આંદોલન હોઇ કે, ધરણા સહિતનો કોઇપણ કાર્યક્રમ હોઇ ત્યારે કાર્યક્રમનાં આયોજકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે. પરંતુ ભાજપનાં અગ્રણીઓ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવાની તો બાજુ પર રહી પણ ગાંધીજીની પ્રતિમાને તબ્બુથી ઢાંકી દીધી હતી. જેથી ગાંધીજીનું અપમાન કર્યું હતું તેઓ આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.
ભાજપ દ્વારા ગાંધીજીનાં કરવામાં આવેલા અપમાન સામે આજે શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ગંગાજળ, પાણી અને દુધથી સ્નાન કરાવીને પ્રતિમાને શુદ્ધ કરી હતી. ત્યારબાદ સુતરની આંટી પહેરાવી ગાંધીજીનું અપમાન કરનાર ભાજપ સામે સુત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ઋત્વીજ જોષી, મિતેશ ઠાકોર, હરિઓડ, અમર ઢોમશે, ઉમંગ પંડયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.