ગાંધીનગર, તા.ર૬
ગાંધીનગરના સેક્ટર ૩૦ ખાતે માર્ગ-મકાન વિભાગ દ્વારા રૂા.૬૪ કરોડના ખર્ચે નવનિર્મિત બી-કેટેગરીના સરકારી આવાસોના ‘વીર સાવરકરનગર’નું નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓને અત્યાધુનિક સુવિધા સાથેના સરકારી આવાસો પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારે રાજ્ય સરકારના વર્ગ-૧થી વર્ગ-૪ સુધીના તમામ કર્મચારીઓને સુવિધાવાળા સરકારી આવાસો પૂરા પાડવા માટે સઘન આયોજન કર્યું છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં રૂા.૮૦૮ કરોડના ખર્ચે ૩૦૪૧ ક્વાર્ટસ પૂર્ણ કરી કર્મચારીઓને ફાળવી દેવાયા છે. જયારે રૂા.૪૦૨ કરોડના ખર્ચે ૧૫૬૮ ક્વાર્ટસના કામો પ્રગતિ હેઠળ છે જેના ભાગરૂપે આજે આ આવાસોનું લોકાર્પણ કરાયું છે. તેમણે કહ્યું હતું કે, રૂા.૬૪ કરોડના ખર્ચે નિર્મિત આ વીર સાવરકરનગરમાં ૧૨ બ્લોકમાં સાત માળમાં ૩૩૬ યુનિટનું નિર્માણ કરાયું છે. પ્રત્યેક યુનિટમાં ૬૯.૮૦ ચો.મી. બિલ્ટ અપ એરિયા અને ૫૯.૪૯ ચો.મી.નો કારપેટ એરિયા ઉપલબ્ધ છે. દરેક યુનિટમાં ડ્રોઈંગરૂમ, બેડરૂમ, સ્ટડી રૂમ, કિચન, બાથરૂમ, ટોયલેટ, વોશ એરિયા અને બાલ્કનીનો સમાવેશ થાય છે. દરેક બ્લોકમાં બે લિફટની જોગવાઈ સાથે આંતરિક સી.સી.રોડ, પાર્કિંગ, કોમન પ્લોટ વિથ ગાર્ડન, અંડર ગ્રાઉન્ડ સમ્પ, પાણીનો બોર, રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ફાયર ફાઈટિંગ સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ ટોકન સ્વરૂપે ૧૧ લાભાર્થીઓને મકાનના હુકમો એનાયત કરીને તેમને શુભેચ્છા આપી હતી અને આજથી જ તેઓ તેમના પરિવાર સાથે રહેવા આવી શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, ગાંધીનગર શહેરમાં ૮૪૦થી વધુ સરકારી આવાસોના નિર્માણ માટેના કામો પ્રગતિ હેઠળ છે જે આગામી ડિસેમ્બર અંતમાં પૂર્ણ થવાની શક્યતા છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં પણ ૩૩૦ ક્વાર્ટર્સના કામો પ્રગતિ હેઠળ છે.