મોડાસા, તા.ર૦

બાયડની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને ૨૦૦૮માં પોલીસ સર્વિસમાં જોડાયેલા અને ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના પીઆઈ ૪૧ વર્ષીય પ્રિતેશ પટેલે સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો. પીઆઈ પ્રિતેશ પટેલે આત્મહત્યા કરી લેતા તેમના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. વતન બાયડ પંથકમાં ભારે શોકની છવાઈ હતી પીઆઈ પટેલના મૃતદેહને માદરે વતન બાયડમાં લવાતા અરવલ્લી પોલીસે પીઆઈ પ્રિતેશ પટેલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગાર્ડ ઓફ ઓનર બાયડ મહિલા પીઆઈ ગોહિલની ઉપસ્થિતિમાં અપાયું હતું. પીઆઈ પી.જે.પટેલની અંતિમવિધિમાં સમાજના અગ્રણીઓ અને શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. બાયડના વેપારી પરિવારના પુત્ર એવા પીઆઈએ આત્મહત્યા કરી લેતા તરહ-તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલ પીઆઈ પ્રિતેશ જે.પટેલ થોડા સમય અગાઉ બાયડથી પરિવાર સાથે ધો.૧૨માં અભ્યાસ કરતી પુત્રી અને ધો.૫માં અભ્યાસ કરતા બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીનગર સરગાસણ ખાતે શીફ્ટ થયા હતા. મૃતક પીઆઈના પત્ની ડાભા નજીક આવેલ માનપુર શાળામાં ફરજ બજાવી રહ્યા છે. શનિવારે મોડી રાત્રી સુધી પીઆઈ પ્રિતેશ પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસે તપાસ કરતા આત્મહત્યાની આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ૪૧ વર્ષીય પ્રિતેશ જે. પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયું નથી. પરંતુ તેમની આત્મહત્યાથી વતન સહિત પોલીસ બેડામાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. હાલ પોલીસ પી.જે.પટેલની આત્મહત્યા પાછળના કારણો શોધવામાં લાગી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.