અમદાવાદ, તા.ર૦

છેલ્લા ઘણા સમયથી પોલીસકર્મીઓ માનસિક તાણમાં આવીને પોતાની સર્વિસ રિવોલ્વરથી જ આપઘાત કરી લેતા હોવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વધુ એક પીઆઈએ ગાંધીનગર સચિવાલય સંકુલમાં જ પોતાની કારમાં રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળનું કોઈ ઠોસ કારણ હજુ સુધી મળ્યું નથી. પરંતુ ઘરેલુ ઝઘડા અથવા કામના ભારણના લીધે પીઆઈએ આપઘાત કર્યો હોય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરમાં સચિવાલયના  સંકુલમાંથી મળી આવેલી કારમાં મૃત હાલતમાં પોલીસ ઇન્સ્પેક્ટર મળી આવતા હાહાકાર મચી ગયો હતો. બનાવની વિગતો સાંપડતા અધિકારીનું નામ પી.જે. પટેલ  હોવાનું સામે આવ્યું હતું. ગઈકાલે મોડી સાંજે ઘરેથી નીકળ્યા બાદ પી.આઈ. પટેલ ગુમ હતા ત્યારે તેમના પરિવારે પોલીસને જાણ કરી હતી. જો કે, આખી રાત ગુમ રહેલા અધિકારીને શોધવા માટે પોલીસે ખૂબ મહેનત કરી હતી. દરમિયાન તેમની કાર સચિવાલય સંકુલમાંથી મળી આવી હતી. તપાસ કરતા કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે. જો કે, તેમણે ક્યા કારણોસર આ પગલું ભર્યુ તેનું રહસ્ય ઘેરાયું છે. પી.આઈ. પ્રિતેશ પટેલ સચિવાલય સંકુલની સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે. પટેલે ગઇકાલે રાતે સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ સચિવાલય સંકુલમાં ગૃહ વિભાગની સામે આવેલા પાર્કિંગમાં બન્યો હતો. દરમિયાન સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પી.આઈ. પટેલ ઘરેથી નીકળ્યા ત્યારે પરિવારમાં ઝઘડો થયો હોવાના અહેવાલ છે, પરંતુ આ મામલે પોલીસે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. તેઓ ગુમ રહેતા પરિવારે પોલીસમાં જાણ કરી હતી. જો કે, પોલીસને તેમનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.