નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કુલ ૭૯ આરોપીની ધરપકડ
અમદાવાદ, તા.૭
ગાંધીના ગુજરાતમાં નશાબંધી હોવા છતાં આંતરે દહાડે દારૂ, ડ્રગ્સ, ચરસ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને હેરાફેરી કરનારા આરોપીઓ પકડાય છે. ત્યારે રાજ્યમાં નશીલા પદાર્થોને પકડી પાડવા રાજ્યના ડીજીપીએ એક મહિનાથી ખાસ ડ્રાઈવ રાખી હતી જેમાં રાજ્યભરમાંથી એક મહિનામાં રૂા.૪.૩૯ કરોડની કિંમતના નશીલા પદાર્થો સાથે ૭૯ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને શહેરોની પોલીસને ગાંજો, મેફેડ્રોન, અફીણ, ચરસ, હેરોઈન જેવા તમામ નશીલા પદાર્થો અને સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડવા અને આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓને શોધીને તેમની ધરપકડ કરવાની એક ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી. તા.પ સપ્ટેમ્બરથી તા.૪ ઓક્ટોબર સુધી રાખવામાં આવેલી ડ્રાઈવમાં સમગ્ર ગુજરાતમાંથી નશીલ પદાર્થોના વેચાણ, હેરાફેરી સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ અંગે ૭ર જેટલા ગુના નોંધાયા હતા. જ્યારે રૂા.૪.૩૯ કરોડના નશીલા પદાર્થો કબજે કરી ૭૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા નશીલા પદાર્થોની વાત કરીએ તો રૂા.૧.૩પ કરોડનો ગાંજો, રૂા.ર.૪૬ કરોડનો મોર્ફીન-હેરોઈન અને મેફેડ્રોન, રૂા.૧૭.૧ર લાખનું ચરસ, નશીલી દવાની બોટલ તથા ટેબલેટનો રૂા.૩૪ લાખનો જથ્થો જ્યારે સિન્થેટીક ડ્રગ્સ અને પોષડોડાનો રૂા.૪.૩૯ લાખનો જથ્થો તો રૂા.૧.પપ લાખનો અફીણનો જથ્થો કબજે કર્યો છે. આરોપીઓની વાત કરીએ તો ગાંજામાં પ૩ આરોપી, મોર્ફીન, હેરોઈન અને મેફેડ્રોનમાં ૭, ચરસમાં ૮, અફીણ અને સિન્થેટીક ડ્રગ્સમાં ૩-૩ આરોપી અને નશીલી દવાઓમાં પાંચ આરોપી પકડાયા છે. આ ડ્રાઈવ દરમ્યાન માદક પદાર્થોના વેચાણ તથા હેરાફેરીમાં અગાઉ જે આરોપીઓ સંડોવાયેલા હોય અને ડ્રગ્સનું રેકેટ ચલાવતા હોય અથવા તેનો ભાગ હોય તેવા ૧૩ જેટલા આરોપીઓને પણ ઓળખીને તેમની પીઆઈટી-એનડીપીએસ કાયદા હેઠળ અટકાયત કરી છે. અગાઉ આ પ્રકારના ગુનાઓ મામલે માદક અને નશીલા પદાર્થોનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હોય, તેને કોર્ટની પરવાનગી લઈને નિયમોનુસાર નાશ કરવાની પણ સૂચના આ ડ્રાઈવ સંદર્ભે આપવામાં આવી હતી. જે અનુસંધાને આ ડ્રાઈવના સમયગાળામાં કુલ રૂા.૧૩.૪૧ લાખની કિંમતના નાર્કોટિક્સના જથ્થાનો પોલીસ દ્વારા નાશ પણ કરવામાં આવ્યો છે.
Recent Comments