(એજન્સી) અનાદોલુ,તા.૨૬
ગાઝાના અર્થતંત્રને આ વર્ષે ૧.૫ બિલિયન ડોલર નુકસાન સહન કરવું પડ્યું છે, નેશનલ કમિટી ફોર બ્રેકીંગ સીઝના વડાએ જાહેરાત કરી હતી. પેલેસ્ટીન રાજકારણી અલ- ખુદરીએ આ વર્ષે જાહેર કરાયેલ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વર્ષ ઇઝરાયેલ દ્વારા કરાયેલ નાકાબંધી અને કોરોના વાયરસના લીધે અમારા માટે ખૂબ જ ખતરનાક રહ્યું હતું. ૨૦૦૭ના વર્ષથી ગાઝાના નિવાસીઓ ઇઝરાયેલ દ્વારા જમીન, હવાઈ અને દરિયાઈ વિસ્તારની કડક નાકાબંધી હેઠળ મુકાયેલ છે જે મેડિકલ સેવાઓ મેળવવા પણ અવરોધો ઊભા કરે છે. ઇઝરાયેલની કડક નાકાબંધીના લીધે ઈઝરાયેલે ગાઝામાં માલોના પ્રવેશને અતિ મર્યાદિત કર્યું છે જ્યારે વિદેશી આયાત-નિકાસ અપવાદના કિસ્સાઓ સિવાય લગભગ બંધ જ છે. વધુમાં ગરીબીનો દર જે ૨૦૦૭માં ૪૦ ટકા હતો એ ૨૦૧૭માં વધીને ૫૬ ટકા થઇ ગયો હતો. જેના લીધે દસ લાખથી વધુ પેલેસ્ટીન લોકો આવકવિહોણા થઇ ગયા છે. અલ-ખુદરીએ સ્પષ્ટ કર્યું કે નાકાબંધી અને કોરોના વાયરસે ૭૦ ટકા કુટુંબો માટે ખાદ્ય સુરક્ષા માટે પણ જોખમ ઊભું કર્યું છે. જ્યારે ૮૫ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. નાકાબંધી કરાયેલ ગાઝામાં બેરોજગારીનો દર પણ ખૂબ જ વધી ૬૦ ટકા થઇ ગયો છે જેના લીધે ૩,૫૦,૦૦૦ કામદારો સીધી અને આડકતરી રીતે અસર પામ્યા છે અને અમુક ફેકટરીઓ, કંપનીઓ બંધ થઇ ગઈ છે. અધિકારીઓએ વિશ્વ સમુદાયને વિનંતી કરી છે કે તેઓ નૈતિક, કાયદાકીય અને માનવીય અભિગમ રાખી ગાઝાની પડખે રહી અમને બચાવે. વિશ્વએ એ ના જોવું જોઈએ કે ગાઝાના લોકો માટે શું આવી રહ્યું છે પણ જે છે એને બચાવવા પ્રયાસો કરવા જોઈએ.