(એજન્સી) તા.૮
પેલેસ્ટીની આરોગ્ય અધિકારીઓએ રવિવારે પ્રતિબંધવાળા ગાઝાપટ્ટીમાં કોરોનાના ૧૬ર નવા કેસનું સમર્થન કર્યું છે. એક નિવેદનમાં ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, કુલ કેસ ૯૬૯ પર પહોંચી ગયા. જેમાં ૭ મૃત્યુ સામેલ છે. મંત્રાલયે જણાવ્યું કે, “ગાઝામાં સક્રિય કેસની સંખ્યા ૮૭૩ થઈ ગઈ છે.” આરોગ્ય મંત્રાલયે પટ્ટીમાં વાયરસને રોકવા માટે આરોગ્ય પ્રોટોકોલનું પાલન કરવા માટે રહેવાસીઓને આહ્‌વાન કર્યું.
આરોગ્ય મંત્રાલયે પાછલા ર૪ કલાકમાં પાંચ મૃત્યુ, ૪૩૩ નવા કેસ અને રર૪ લોકોના સ્વસ્થ થવાની સૂચના આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, પેલેસ્ટીની વિસ્તારોમાં કુલ ૩૩,રપ૦ કેસ છે. જેમાં ૧૯૮ મૃત્યુ સામેલ છે. અધિકારીઓએ ગાઝાપટ્ટીમાં કોરોનાનો પ્રથમ કેસ મળ્યા પછી ર૪ ઓગસ્ટથી પૂર્ણ અથવા આંશિક કર્ફ્યુ લગાવી દીધું છે. ગાઝાપટ્ટી સતત ૧૪ વર્ષથી ઈઝરાયેલની સખત નાકાબંધી હેઠળ રહે છે. જો કે પેલેસ્ટીની પ્રતિરોધના દબાણમાં ઈઝરાયેલે કોરોના દર્દીઓની તપાસ અને સારવાર માટે જરૂરી આરોગ્ય ઉપકરણોના પ્રવેશની પરવાનગી આપવા પર સંમતિ વ્યક્ત કરી.