(એજન્સી) ગાઝિયાબાદ,તા.પ
દિલ્હીમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા હોવાની સાહી હજી સૂકાઈ નથી ત્યારે ગાઝિયાબાદની એક સ્કૂલમાં પાંચમાં ધોરણના બાળકે સાત વર્ષની બાળકી પર સ્કૂલના વોશરૂમમાં કથિત રીતે રેપ કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના નવેમ્બરની છે. આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતાના પિતાએ ત્રણ ડિસેમ્બરના રોજ સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાના વાલીને આ વાતની ત્યારે ખબર પડી જ્યારે બાળકીની તપાસ કરતા મહિલા ડોક્ટરે બાળકીના પ્રાઈવેટ પાર્ટ્‌સ પર જાતીય સતામણી કર્યા હોવાના નિશાન મળ્યા હતા. શરૂઆતમાં પીડિતાએ લોહી નીકળ્યા હોવાની ફરિયાદ કરતા વાલી ડોક્ટર પાસે લઈ ગયા હતા. જ્યારે ડોક્ટરે તેમને સામાન્ય દવા આપીને તીખુ ખોરાક ખાવાની ના પાડી દીધી હતી. પરંતુ દુખાવો વધતા માતા-પિતા બીજા ડોક્ટર પાસે લઈ ગયા જ્યાં જાતીય સતામણીના પુરાવાઓ મળ્યા હતા. ત્યારબાદ ડોક્ટરે પીડિતા પાસેથી બધી જાણકારી મેળવી હતી. પીડિતાએ પોતાની આપવીતી સંભળાવતા કહ્યું કે, ધોરણ-પમાં ભણતા વિદ્યાર્થીએ તેને વોશરૂમ લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે. વિગતવાર ઘટના એવી બની હતી કે, પીડિતા સ્કૂલ છૂટી ગયા બાદ તેના માતા-પિતાની રાહ જોઈ રહી હતી. ત્યારે આરોપી બાળક પણ તેના માતા-પિતાની રાહ જોઈ રહ્યો હતો.
જ્યારે સ્કૂલમાં અડધો દિવસ હોવાથી વિદ્યાર્થિની સંખ્યા પણ ઓછી હતી. આ તકનો લાભ લઈને આરોપી બાળકે પીડિતાને વોશરૂમમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું.
પીડિત બાળકીના પિતા ગેસ એજન્સીમાં કામ કરે છે. તેમણે કહ્યું કે તેમની પુત્રી સાથે આ ઘટના ૮ નવેમ્બરે બની હતી. ગાઝિયાબાદ પોલીસે બાળકીને મેડિકલ તપાસ માટે મોકલી છે. જ્યારે આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટ આઈપીસી દ્વારા ૩૭૬ હેઠળ રેપના દોષી ગણાવતો કેસ દાખલ કર્યો છે. આ સાથે આ ઘટના અંગે સ્કૂલમાં તપાસ પણ કરાઈ રહી છે.