(એજન્સી)નવી દિલ્હી, તા.૨૨
ઉત્તરપ્રદેશના ઈજાગ્રસ્ત પત્રકારનું આજે સારવાર દરમ્યાન હોસ્પિટલના બિછાને મોત થયું હતું . પત્રકારના મોત મામલે ભાજપ સરકાર પર ચોમેરથી હુમલા થઈ રહ્યા છે. આ હત્યા મામલે રાજકારણ ગરમાયું છે. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં કાયદ વ્યવસ્થાની સ્થિતિ મરી પરવાડી છે અને ગુંડારાજે સામ્રાજય જમાવ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પત્રકારની હત્યાથી મને ઘણું દુઃખ થયું છે. તેમણે ટ્‌વીટ કરી આ હત્યા મામલે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાજપે રામ રાજ્યનું વચન આપ્યું હતું અને આપ્યું ગુંડારાજ. અત્રે ઉલ્લેખનીય છે કે પત્રકારે પોતાની ભત્રીજીની છેડતી મામલે ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉશ્કેરાયેલા આરોપીઓ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આ ધમકી મામલે પણ પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોપીએ પહેલાં જોશીને ઘેરી માર માર્યો હતો અને ત્યારબાદ તેમને ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પત્રકાર જોશીનાં મોત બાદ તેમના પરિવારજનોએ તેમની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી પોલીસ મુખ્ય આરોપીઓને પકડી નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. પરિવારે વધુમાં આરોપ લગાવ્યો હતો કે પોલીસે પોતાની ફરજમાં બેદરકારી રાખી હતી. ઘટના બાદ પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીને બરતરફ કરી દેવામાં આવ્યા હતા.