અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં અનામતને કારણે માંડ ૧૦-૧પ ટકા દલિતો થોડાક સાધન સંપન્ન થયા છે અને તેઓ શહેરોની સલામત જગ્યાઓમાં વસે છે. હાલ પણ ૮૦થી ૮પ ટકા દલિત સમાજ તો અંતરિયાળ ગામડાઓના નરકમાં રિબાઈ રહ્યો છે. બાબા સાહેબ આંબેડકર એમના છેલ્લા દિવસોમાં અડધી રાત્રે જાગી જતા હતા અને જોર જોરથી ચિલ્લાતા અને બોલી ઊઠતાં કે ‘જો કુચ ભી હુવા વો પઢે લીખે લોગો કે લીએ હી હુવા મેરે ગાવ કે દલિતો કે લીએ મેં કુછ ન કરા શકા. મેં ઉનકે લીએ કુચ કરના ચાહતા હું’ અને પછી લાચાર થઈ રોઈ પડતા. આ શબ્દો બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની માઈ સાહેબ ડૉ.સવિતા આંબેડકરે મને કહેલા, આજે મને એટલા માટે યાદ આવે છે કે, શહેરોની સલામતીમાં જીવતા ભણેલા દલિતો ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં અપમાનિત ભરી જિંદગી જીવી રહેલા પોતાના જ દલિતા ભાન્ડુઓને ભૂલી ગયા છે. તેમની સમસ્યાઓના ‘કાયમી’ ઉકેલ માટે વિચારવાને બદલે આ શહેરી લાલાઓ લવારીઓ કરવા અધિવેશનો અને મેળા ભરવામાં મશગુલ બન્યા છે, એમ કર્મશીલ વાલજીભાઈ પટેલે ટકોર કરી હતી.