(સંવાદદાતા દ્વારા)
પાવીજેતપુર, તા.પ
પોતાના જ દેશમાં પરાયા હોવાનો એહસાસ કરી રહ્યા છે છોટાઉદેપુર જીલ્લા ના ૭૫૦ ની વસ્તી ધરાવતા આંબાખુંટના ગામલોકો. વિસ્તારમાં ડેમ બનાવવાનો હોવાથી આંબાખૂટના ગામ લોકોએ તેમની જમીન મકાન તો આપી દીધા. પણ આ ગામના લોકોને એ ખબર ન હતી કે તે ભવિષ્યમાં તે બે ઘર બેસહારા બની જશે. આપેલા વચનોથી સત્તાધીશો વિમુખ થઈ જશે એવો રંજ માત્ર ખ્યાલ ન હતો આ ભોળા આદીવાસીઓને. આજે આ જ લોકો પોતાના જ કહેવાતા ગામમાં નિરાધાર જેવી જીંદગી ગુજારી રહ્યા છે. હવે આંબાખૂટના ગ્રામજનો પોતાની સમસ્યાના ઉકેલ માટે આવનારી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી ચુક્યા છે.
૧૯૭૯ માં પાવી જેતપુરના ડુંગરવાંટ ગામ ખાતે સીંચાઇ માટે સુખી ડેમ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યૂ હતું અને આંબાખૂટ વિસ્તારના કેટલાક ખેડૂતોની જમીન સરકાર હસ્તક કરી હતી તો કેટલાક ગામો ખાલી કરાવવામાં આવ્યા હતા. અને જેના વળતર પેટે કેટલાકને ૩૦૦૦, તો કેટલાકને ૪૫૦૦ આપવામાં આવ્યા હતા. અને કેટલાક ગામના લોકોને બીજી અન્ય જગ્યાએ પુનર્વસન કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પણ આજે ૪૦ વર્ષ થઈ જવા છતાં આજે પણ આ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા નથી.
સરકારના નિયમ પ્રમાણે આ લોકોને જમીન આપવાની હતી, સ્વાસ્થ્ય માટે દવાખાનાની વ્યવસ્થા આપવાની હતી, બાળકોના ભાવી માટે સ્કૂલ આપવાની હતી, અને સરકારના તમામ લાભો આપવાના હતા પણ આ લોકોને આજ દીન સુધી કઈ પણ આપવામાં આવ્યું નથી, ડેમ બનવાની શરૂઆત થતાં અહીના લોકો ડેમના ઉપરવાસમાં જતાં રહ્યા, અને સરકાર તેમણે આપેલા વચન પ્રમાણે બીજા ગામમાં વિસ્થાપિત કરશે તેની રાહ દેખતા રહ્યા. આજે ૪૦ વર્ષ થયા છે પણ પરિસ્થિતી જૈસે થે રહી છે.