(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.ર૪
ધુણસોલના યુવાનોએ ગામે ગામ ઓનલાઈન મરચાંના વેચાણ થકી આત્મનિર્ભર બનવાની પ્રેરણાદાયી પહેલ કરી છે. રમેશજી છગનજી ઠાકોર, ભરતજી છગનજી ઠાકોર વગેરે યુવાનોએ બેકાર બેસી રહેવાને બદલે ભાગમાં પીકઅપ ડાલુ લાવી તેમાં મરચુ દળવાની ઘંટી ગોઠવીને ગામે-ગામ ગ્રાહકોની નજર સામે ગુણવત્તાવાળું મરચું બજાર ભાવ કરતા પણ વ્યાજબી ભાવે વેચી રહ્યા છે. ગ્રાહકોને પણ ઘર આંગણે મન પસંદ કુમઠી, રેશમ પટો, દેશી મરચું, પટણી મરચુ, તેજા કાશ્મીરી બેડકી વગેરે અલગ-અલગ જાતનું મરચું કિફાયતી ભાવે મળવા લાગ્યું છે. જેથી દિન પ્રતિદિન વેચાણ વધતા યુવાનોના પરિવારનું ‘વટ કે સાથ’ ભરણ પોષણ થવા લાગ્યું છે. જેના કારણે સ્વમાની યુવાનોની આત્મનિર્ભરતા ગામે ગામ પ્રશંસાને પાત્ર બની છે. ત્યારે અન્ય યુવાનો પણ તેમના ઉપરથી પ્રેરણા લઈ શરમને નેવે મૂકી નાના ધંધા રોજગાર દ્વારા પરિવારનું પાલન પોષણ કરી ‘અપના હાથ જગન્નાથ’ કહેવત સાર્થક કરે તે સમયનો તકાજો છે.
Recent Comments