(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૭
વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન માંગરોળના ધારાસભ્ય બાબુ વાજાએ રાજ્યના વિવિધ જિલ્લાઓ, કોર્પોરેશન હસ્તકની જમીનો તથા ગ્રામીણ ક્ષેત્રોમાં વર્ષ-૧૯૭૧ પહેલાંનો કબજો ધરાવતા જમીન ધારકોને તે જમીન/જગ્યા કબજા ધારકને નામે કરી આપવાના પ્રશ્નના જવાબની ચર્ચામાં મુખ્યમંત્રીએ આ અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે. આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂંસી અને કાયદેસરની પ્રક્રીયાને કારણે ઉદ્દભવતા ઘર્ષણો ટાળવા માટે ગૃહમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ સરકારને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પણ વિસ્તૃત જવાબ પાઠવતા જણાવ્યું કે, રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇની માલિકી પર વર્ષોથી ઊભી થઇ ગયેલી હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંકોને તોડી પાડી કે કોર્ટના ચૂકાદાને માન્ય રાખીને તેને નેસ્તનાબૂદ કરી લાખો લોકોને છત વગરના કરી દેવા અનુચિત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી સરકારે સંવેદના સાથે ઐતિહાસિક પરિવર્તન રેવન્યુ એકટમાં લાવીને યુએલસીમાં થયેલા મકાનોને કાયદેસર કર્યા. સૂચિત સોસાયટીમાં જે મકાનો છે તેને પણ કાયદેસર કર્યા છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર સમક્ષ ગામડાંના લોકોની પણ લાગણી આવી કે, વાડાની જમીનો વર્ષોથી બાપ-દાદાના વખતથી લોકો વાપરે છે. ઘરની એડજોઇનીંગ જ આવી જમીન હોય તેમાં ઢોર-ઢાંખર, નીરણ તેઓ રાખતા હોય છે. આવી જમીનની માલિકી સરકારની છે અને કબજો વર્ષોથી જે-તે વ્યકિત પાસે છે.
ગામોમાં સરકારી માલિકીના વાડાની જમીનનો કબજો કાયદેસર થશે

Recent Comments