કોરોનાની બીજી લહેર ઘાતક નીવડતા અનેક લોકો મોતને ભેટ્યા છે તો લાખો લોકો સારવાર હેઠળ છે. જ્યારે કોરોનાને લઈ સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તથા જાહેરનામાને લઈ રાજ્યભરમાં ઈદ-ઉલ-ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કેટલીક મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ચારથી પાંચ નમાઝી સાથે ઈદની નમાઝ અદા કરાઈ હતી. જ્યારે અનેક લોકોએ પોતાના ઘરે નમાઝ અદા કરી હતી. આમ મુસ્લિમો દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની જુમ્મા મસ્જિદ ખાતે પેશઈમામ હાજી હનીફ બાપુએ નમાઝ પઢાવી હતી. જ્યારે કેટલાક લોકોએ કોમી એકતામાં હિમાયની હાજી સૈયદ યુસફમિયાં બાપુના નિવાસસ્થાને નમાઝ અદા કરી હતી. જ્યારે કેટલાક લોકો તેમના નિવાસસ્થાને ઈદ મુબારક પાઠવવા પહોચ્યા હતા. હાજી સૈયદ યુસુફ મિયાં બાપુએ કોરોના વાયરસ દેશ અને દુનિયામાંથી નાબૂદ થાય તેવી ખાસ દુઆ ગુજારી હતી તથા કોરોના વાયરસમાં મોતને ભેટેલ લોકોને ખિરાજે અકિદત પેશ કરી હતી. જિલ્લાના લીંબડી, ચુડા, લખતર, વઢવાણ, ધ્રાંગ્રંધ્રા, પાટડી, દસાડા, જૈનાબાદ સહિતના ગામોમાં ઈદની સાદગીપૂૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ડભોઈ : ડભોઇ મુસ્લિમ બિરાદરો દ્વારા હાલ ચાલી રહેલ કોરોના મહામારીને પગલે સરકારની ગઈડલાઇન અનુસાર પોતાના ઘરે અને મસ્જિદમાં ઓછી ભીડ સાથે નમાઝ અદા કરી હતી. ઈદ-ઉલ-ફિત્ર રમજાન ઈદના પવિત્ર પર્વ ડભોઇ શહેર-જિલ્લાના લાખો મુસ્લિમ બિરાદરો ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. સાથે દેશભરમાં સુખચેન શાંતિ અને ભાઈચારો કાયમ બની રહે તેમજ હાલ ચાલતા દેશ-વિદેશમાં કોરોના વાયરસની મહામારી દૂર થાય એવી અંતકરણપૂર્વકની ડભોઇ શહેર કસ્બા જુમ્મા મસ્જિદના પેશ ઈમામ મૌલાના અનવર અશરફી તેમજ મસ્જિદે બિલાલ પાંચ નીગર મોહલ્લા મસ્જિદ કાજીવાડા મસ્જિદ મદીના મસ્જિદ વગેરે તમામ મસ્જિદોમાં દુઆ ગુજારવામાં આવી હતી.

વડોદરા : વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદ ની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી એટલું જ નહીં ઇદની નમાજ પણ ઘરે રહીને જ અદા કરવામાં આવી ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા કોરોના મહામારી ભારતમાંથી દૂર થાય તેવી અલ્લાહને દુઆ કરી હતી.
પવિત્ર રમઝાન ઈદની ઉજવણી નગરજનોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી મુસ્લિમ સમુદાયને ઇદ પર્વની સાદગીથી ઉજવણી કરવા અપીલ કરી હતી સાથે કોરોનાની મહામારીમાંથી વહેલી તકે સમગ્ર દેશ મુક્ત થાય તેવી દુઆ કરી હતી. સાથે જ મુસ્લિમ બિરાદરો એ મસ્જિદોમાં ન જઈ ઘરે જ ઇદની નમાઝ અદા કરી તંત્રને પણ પૂરો સહકાર આપ્યો હતો.

શહેરા : પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે તહેવારો પર પણ તેની સીધી અસર જોવા મળે છે. મુસ્લિમ બિરાદરોએ સતત બીજા રમજાન માસ પણ સરકારી ગાઈડલાઈનના કડક નિયંત્રણો વચ્ચે પસાર કર્યા બાદ બીજા પવિત્ર રમજાન ઈદની ઉજવણી પણ સાદાઈથી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ સગા સંબંધીઓને ફોન દ્વારા ઈદ મુબારક પાઠવ્યા હતા.

મોડાસા : અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેરમાં લઘુમતી સમાજ દ્વારા કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખીને સતત બીજા વર્ષે પણ સાદાઈથી રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ તેમના ઘરમાં જ ઈદની ખાસ નમાજ પઢી હતી.ઈદ-ઉલ-ફિત્રની ઉલ્લાસપૂર્વક ઉજવણીમાં બાળકોમાં ભરે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરિવારના બાળકો સાથે માસ્ક પહેરી એકમેકને ઈદ મુબારકરૂપી શુભેચ્છા પાઠવી હતી.

અરવલ્લી જિલ્લામાં ધર્મગુરૂઓના આદેશ અનુસાર મુસ્લિમ પરિવારોએ પોતપોતાના ઘરમાં જ રહીને ઈદની ખાસ નમાઝ પઢી હતી. બાદ સૌ કોઈએ સગાસબંધીઓને તેમજ મિત્રવર્તુળમાં ટેલીફોનીક અને સોશ્યલ મિડીયાના માધ્યમથી ઈદની મુબારકબાદી પાઠવી હતી. હિન્દુ સમાજનાં લોકોએ પણ મુસ્લિમ બિરાદરોને સોશ્યલ મીડિયા અને ટેલિફોનિક ઈદ મુબારકબાદી પાઠવી હતી
આ વૈશ્વિક મહામારીની વિષમ પરિસ્થિતિમાં દેશવાસીઓ વધુ સુરક્ષિત રહે તેઓનું સ્વાસ્થ્ય સારૂ રહે તેઓ અન્ય લોકોને અને પરસ્પર ઉપયોગી બને તેવી પ્રચાર માધ્યમોમાં અપીલ કરી હતી.

ભાવનગર : ભાવનગર શહેર-જિલ્લાના મુસ્લિમોએ “ઈદ-ઉલ-ફિત્રની’’ની સાદગીથી ઉજવણી કરી હતી. શહેર જિલ્લાની મસ્જિદોમાં ફક્ત સરકારની ગાઈડલાઈન મુજબ ત્રણથી ચાર નમાઝઓએ ઈદની નમાઝ અદા કરી હતી. જયારે બાકીના મુસ્લિમ બિરાદરોએ પોતાની ઘરમાંજ નીફલ નમાજ પઢી દુવાઓ કરી હતી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને કે હસ્તમેળાપ ન કરતા સાવધાની અને સાવચેતી રાખી સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી ઈદની મુબારકબાદી પાઠવી હતી.
મુસ્લિમોએ ઈદ નિમિત્તે નવા કપડાં પહેરી પરિવારજનો, પાડોશીઓ, સગા-સબંધીઓ, મિત્રોને મીઠાઇ અને ખીર-ખુમાની આપલે કરી મો મીઠું કરાવ્યું હતું. નવાપરા ઇદગાહ મસ્જિદ ખાતે આઠથી દસ જેટલા મુસ્લિમ આગેવાનોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે નમાજ અદા કરી હતી.
નડિયાદ : નડિયાદ સહિત જિલ્લામાં આ વર્ષે પણ રમઝાન ઇદની ઉજવણી ખૂબ જ સાદાઈથી કરાઈ હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ બાદ એકબીજાને ઇદની શુભેચ્છા પાઠવી હતી અને ગરીબોને દાન કરી ખૂબ જ સાદાઈથી ઉજવણી કરી હતી કોરોનાની મહામારી હોય ખાસ કરીને એકબીજાના ઘરે ગયા વગર મોબાઈલ પર જ ઇદની મુબારકબાદી પાઠવી હતી. બે વર્ષથી આ પર્વ દરમિયાન કોરોનાની મહામારી જોવા મળે છે જેના કારણે આ પર્વ ખૂબ જ સાદગી થી ઉજવાય છે. આ રમજાન માસ દરમિયાન ગુપ્ત દાનનું પણ મહત્ત્વ રહેલું છે. તો ઈદુલ ફિત્રની ઈદની નમાઝ બાદ ઘરે ઘરે ખીર અને સેવોનું શાહી પકવાન બનાવ્યું હતું. તો આ તરફ મસ્જિદોના દ્વારા પણ બંધ જોવા મળ્યા હતા. આમ ખેડા જિલ્લામાં કોરોનાને લઇ પર્વની ઉજવણી ખૂબ જ સાદગીથી થઈ છે. નાના બાળકો પણ પોતાના મામા કાકા અને મિત્રોને વીડિયો કોલ કરી ઈદની શુભેચ્છા પાઠવી હતી.

ડીસા : ડીસાના મુસ્લિમોએ રમઝાન ઈદની સાદગીપૂર્ણ રીતે સરકારી ગાઈડલાઈન અનુસાર ઘરે નમાઝ અદા કરી રમઝાન ઈદની ઉજવણી કરાઈ હતી. કોરોના મહામારી ચાલતી હોવાથી એક બીજાને ઘરે જવાનું ટાળી હિન્દુ ભાઈઓએ મુસ્લિમ બિરાદરોને ફોનથી ઈદ મુબારક બાદી પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ દેશમાંથી કોરોના મહામારી દૂર થાય તે માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી.

ગાંધીધામ : ઈદ-ઉલ-ફિત્રના દિવસે તમામ ભાઈઓને ઈદ મુબારક પાઠવતા કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમાએ જણાવેલ કે, આ સંકટના સમયમાં એક-બીજાની મદદ કરવી એ જ તમામ ધર્મની શીખ છે. તેજ અમારા દેશની પરંપરા રહી છે મસ્જિદે તયબાહ ખાતે સોશિયલ ડિસ્ટેન્સ સાથે નમાઝ અદા કરેલ તથા મોલાના શૌકત અલી અકબરી એ ખુત્બો પઢી તમામ ભારત વાસીઓ માટે દેશ માટે દુવા કરેલ આ મહામારી બીમારી આપણા દેશમાંથી નાબુદ થાય દેશમાં અમન શાંતિ ભાઈચારો કાયમ રહે આપણો દેશ પ્રગતિ કરે મહાસતા બંને એજ દુવા સાથે તમામ ભારતીય ભાઈઓને ઈદ મુબારક પાઠવ્યા હતા.

અબડાસા : ઈદ-ઉલ-ફિત્ર નમાઝની અદાયગી અબડાસા તાલુકાના મુસ્લિમ બિરાદરો એ સરકારના નિયમ મુજબ કરી હતી. ઈદની નમાઝ બાદ સમગ્ર દેશ અને દુનિયા ભરમાં ચાલતા કોરોના વાયરસની બીમારી ખતમ થાય તે માટે અને દેશમાં અમન શાંતિ અને ભાઈચારો કાયમી રહે તે માટે દુઆ માંગવામાં આવી હતી.
ખાસ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની જાહેર અપીલ મુજબ સમગ્ર સમાજ દ્વારા મુફ્તીએ આઝમ કચ્છ સૈયદ અલ્લામા અલ્હાજ અહમદશાહ બુખારી રહેમતુલ્લાહ ત્આલા અલૈહ અને તેમના જયેષ્ઠ પુત્ર હાજી અનવરશાહ બાવા સાહેબના હક્ક માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી.