(એજન્સી) તા.૧૫
ભારતમાં ગોબરથી બનેલી એક ચિપ અંગે સત્તાવાર દાવો કરાયો છે કે આ ચિપ મોબાઇલ રેડિએશન સામે રક્ષણ આપી શકે છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ આ ચિપ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે આ એક રેડિએશન ચિપ છે જેને મોબાઇલમાં રેડિએશન ઘટાડવા માટે વાપરી શકાય છે.
જોકે સોશિયલ મીડિયા પર આ દાવાની આકરી મજાક બનાવાઈ હતી અને આ કેટલી કારગત છે તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા પણ નથી. આ ચિપ ગુજરાતના એક સમૂહે તૈયાર કરી હતી. આ સમૂહ એક ગૌશાળા ચલાવે છે. આ ચિપને મોબાઇલની બેટરીના બાહ્ય ભાગ પર લગાવવા માટે વિકસિત કરાઈ છે. આ ચિપ અંગે દાવો કરાયો હતો કે આ ચિપ મોબાઇલથી નીકળતા રેડિએશન સામે એક સુરક્ષા કવચ પૂરૂં પાડે છે. આ ચિપની કિંમત ૫૦થી ૧૦૦ રૂપિયાની આસપાસ રખાઈ છે. ડૉ. કથિરિયાએ કહ્યું કે દેશભરમાં આશરે ૫૦૦થી વધુ ગૌશાળામાં હવે આ ચિપ બની રહી છે. ગુજરાતની આ ગૌશાળાના સમૂહે જણાવ્યું કે ગત એક વર્ષથી ચિપ બની રહી હતી પણ અત્યાર સુધી ન તો તેની કોઈ વૈજ્ઞાનિક તપાસ કરાવી છે ન તો કોઈ પરીક્ષણ કર્યું છે. ગૌશાળા ચલાવનારા દાસ પઈ કહે છે કે આયુર્વેદિક સાહિત્ય કહે છે કે ગાયનું ગોબર અને ચિપને બાંધવામાં વાપરવામાં આવેલા બીજા તત્વોમાં એવા ગુણ છે જે રેડિએશન સામે સુરક્ષા પૂરી પાડે છે. પણ વિજ્ઞાનીઓએ આ દાવાને નકારી કાઢ્યા હતા. તેની સાથે જ એવો કોઈ અભ્યાસ થયો જ નથી જે એ વાતની પુષ્ટી કરે કે ગાયનું ગોબર રેડિએશન ઘટાડે છે. ભારતની અશોકા યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર ગૌતમ મેનને જણાવ્યું કે ગાયના ગોબરમાં જે તત્ત્વો મળે છે અને જેમના વિશે અમે જાણીએ છીએ તેના આધારે સ્પષ્ટ કહી શકાય કે તેમાં કોઈ એવા ગુણ નથી. રેડિએશનથી સુરક્ષા માટે જે તત્ત્વનો સૌથી વધુ ઉપયોગ થાય છે તે છે લેડ. તેનો ઉપયોગ થેરેપીમાં કરાય છે. પણ ગોબર અને તેના કથિત ગુણો અંગે દાવા કરનારા લોકો કહે છે કે વિકિરણ વિરૂદ્ધ તેની અસરના પુરાવા ગ્રામીણ પરીવેશમાં રહેતા લાખો ભારતીય પરિવાર છે જે તેમના ઘરોને ગોબરથી લીપે છે.