અમદાવાદ, તા.૧ર
ગાયના નામે મતોની ખેતી કરતી ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં ગૌચરની જમીનો જ સુરક્ષિત નથી. રાજ્યના ૩૧ જિલ્લાઓમાં ૪૭રપ૯ર૦૩ ચો.મી. ગૌચરની જમીનોના દબાણો થવા હોવાની ખુદ સરકારે કબૂલાત કરી છે. ત્યારે રાજ્યમાં ગાયોના નામે રાજનીતિ રમતી સરકારની ગૌચરની જમીનો ઉપર થતા દબાણો બચાવવામાં જરાય રસ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગૌચરની જમીનમાં થયેલા દબાણ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યની ભાજપ સરકારે જણાવ્યું હતું કે રાજ્યના ૩૧ જિલ્લાઓમાં મળીને કુલ ૪૭રપ૯ર૦૩ ચો.મી. જમીનના વર્ષોથી દબાણ થયેલા છે. જેમાં ગીર અભ્યારણમાં પ૭.પ૩ર૮ હેક્ટર વિસ્તારમાં દબાણ થયેલ છે. તે પૈકી ખેતીના દબાણો પ૬.૧૭પ૭ હેક્ટર અને ધાર્મિક જગ્યાના ૧.૩૬.૦૧ હેક્ટર વિસ્તારમાં દબાણ થયેલું છે. કેટલાક જ દબાણો ૧૯૮૭-૮૮ પહેલાંના છે. બાકીના દબાણો ત્યાર પછીના છે. એટલે ત્રણ દાયકા જેટલા સમય વિત્યો હોવા છતાં તંત્ર ગીર અભ્યારણમાંથી દબાણો દૂર કરી શક્યું નથી. ગૌચરની જમીનો ઉપર દબાણોના રાજકોટમાં ૧૭પ૦૩૬પ૭ ચો.મી. જ્યારે ભાવનગરમાં ૪૯૯૬૯પ૯ ચો.મી. અને ગીર-સોમનાથમાં ૪૧૯૪૪૮૪ ચો.મી. દબાણ થયું છે.
આમ ગાયના નામે મત મેળવતી ભાજપ સરકારના રાજમાં ગાયો અને પશુઓના ચરવા માટેની જમીનોમાં જ મોટાપાયે દબાણો થાય છે. જે મુદ્દાઓ ઉપર ચૂંટણી લડીને જે પક્ષ સરકાર બનાવે છે. ત્યારબાદ તે પક્ષની સરકાર ચૂંટણી ટાણે આપેલા વચનો અને મુદ્દાઓને ભૂલી જાય છે ત્યારે ચૂંટણી ટાણે આપતા વચનો ખરેખર કરેલા સાચા પડે છે. તે પ્રશ્ન જ ચર્ચાનો વિષય બની ગયો છે.