અંકલેશ્વર, તા.૧૪
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડબ્બે પૂરેલી ગાયને લઇ જતા ૮થી વધુ ટેમ્પાને ગૌરક્ષકોએ શંકા આધારે અટકાવી દીધા હતા. એન.જી.ઓની મદદથી ગાયને નેત્રંગ થામ ગૌશાળા અને તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે લઇ જવામાં આવી રહી હતી. પરંતુ સવાયા પોલીસ દ્વારા ગાયો કતલખાને લઇ જવામાં આવી રહી હોવાની શંકા આધારે વાલિયા ચોકડી ખાતે ટેમ્પા રોકવામાં આવ્યા હતા. અંતે જીઆઇડીસી પોલીસ બોલાવ્યા બાદ જરૂરી વેરિફિકેશન કરીને ગાય ભરેલા ટેમ્પા રવાના કરાયા હતા. આ ઘટનાના પગલે લોક ટોળા જામતા એક સમયે સ્થિતિ તંગદિલી બની હતી.
અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ૮ ઉપરથી ગાય ભરેલા ટેમ્પો પસાર થવાના હોય તેવી માહિતી ગૌરક્ષક અશોક જૈન તેમજ અન્ય કાર્યકરોને મળી હતી. આ ટેમ્પો વાલિયા ચોકડી તરફ આવતા જ ગૌરક્ષકોએ ટેમ્પોને રોકી લીધા હતા અને જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા એટલું જ નહિ જીઆઇડીસી પોલીસને જાણ કરતાં જીઆઇડીસી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અંગે વધુ પૂછતાછ કરતાં આ ગાયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ ત્યાં વધારે પડતી ગાયો હોવાના કારણે ૫૦૦ જેટલી ગાયોને અન્ય સ્થળે ખસેડવાનું હોય તેની કામગીરીમાં આ ગાયોને ટેમ્પોમાં ભરી નેત્રંગ તાલુકાના થવા તેમજ તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે મોકલવામાં આવી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જે તમામ વેરિફિકેશન બાદ મુંબઈ જીવદયા મંડળીના માધ્યમથી લઇ જવાતી ગાયો ભરેલા ટેમ્પાને જીઆઇડીસી પોલીસે તેમજ ગૌરક્ષકોની સહમતીથી રવાના કર્યા હતા. ટેમ્પો ઝડપાયાના સમાચાર મળવાથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, જો કે પોલીસની સુઝબુઝથી મામલો થાળે પડ્યો હતો. આ અંગે જીઆઇડીસી પી.એસ.આઈ જે.કે. ડાંગરએ જણાવ્યું હતું કે જરૂરી પુરાવા માટે અમદાવાદ પોલીસનો સંપર્ક કરી જરૂરી વેરિફિકેશન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાના અભિયાનમાં પાંજરાપોળ ખાતે વધુ માત્રામાં ગાયો પકડાઈ હતી. જે ગૌધનને સામાજિક સંસ્થાની મદદથી ગૌશાળા તેમજ ગરીબ ખેડૂતોને આપવા માટે મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.