(એજન્સી) તા.૨૯
યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ ત્રણ દિવસો પહેલા બુન્દેલખંડ જિલ્લાના લલિતપુરમાં ‘ગાય બચાવો, કિસાન બચાવોના બેનર તળે યાત્રાનું આયોજન કર્યું હતું, એમને પછીથી એમના ઘરે નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. એમણે કહ્યું કે અમારી યાત્રાનો ઉદ્દેશ્ય ભાજપના ગાયના નામે કરાતા દંભને ખુલ્લો પાડવાનો હતો. પોતાના લખનૌના નિવાસસ્થાનેથી એમણે કહ્યું કે પોલીસ મારા ઘરની બહાર ૨૪ કલાક હાજર છે મને કોંગ્રેસના ૧૩૬માં સ્થાપના દિવસે પણ બહાર જવા દેવામાં આવ્યો ન હતો. યોગીના શાસન હેઠળ યુપીમાં વણજાહેર કરાયેલ કટોકટી પ્રવર્તી રહી છે. લલ્લુએ કહ્યું કે ભાજપ દાવો કરે છે કે એમણે ગાયો માટે ઘણું બધું કાર્ય કર્યું છે. તેઓ ગાયના રક્ષણ અને કલ્યાણ માટે જાહેરાતો કરતા રહે છે પણ હકીકતમાં એમણે ગાયના નામે કરોડો રૂપિયા વિવિધ યોજનાઓ પાછળ ખર્ચ કર્યા છે પણ ગાયના કલ્યાણ માટે કંઈ કર્યું નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં હજારો ગાયો ખાદ્ય ખોરાકની અછત અને સાર સંભાળમાં બેદરકારી બદલ મોતને ભેટી છે. ગયા અઠવાડિયે ૧૦ ગાયોના મૃત્યુ પછી કોંગ્રેસના કાર્યકરોએ ગાયોની યાતનાઓ દર્શાવવા જુદા જુદા સ્થળોએ ધરણાઓ કર્યા હતા અને રેલીઓ કાઢી હતી. કોંગ્રેસે આ મુદ્દો ઊઠાવ્યો એ પછી યુપી પોલીસે આઠ અધિકારીઓની સામે કેસ દાખલ કર્યો હતો. લલ્લુએ કહ્યું કે અમે મામલો ઉઠાવ્યો એ પછી યુપીના પ્રત્યેક જિલ્લામાં એક નોડલ અધિકારીની નિમણુંક કરાઈ છે. યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ વાડ્રાએ યુપીના મુખ્યમંત્રીને છત્તીસગઢની જેમ ગૌધન યોજના શરૂ કરવા જણાવ્યું છે. લલ્લુને પૂછવામાં આવ્યું કે ખેડૂતોના આંદોલનો વચ્ચે તેઓ આવી રેલીઓ કેમ કાઢી રહ્યા છે, લલ્લુએ કહ્યું કે ગાય અને ખેડૂતો બંનેના મુદ્દાઓ એક બીજા સાથે જોડાયેલ છે. જેઓ અમારા કાર્યક્રમને કોમી રંગ આપવા ઈચ્છે છે તેઓ સફળ થશે નહિ કારણ કે અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે.