(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
ગુજરાતમાં બીટકોઈન, બીટકનેક્ટ, એક્ષિઓ સહિત અનેક ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઈ આચરતા કૌભાંડો રાજ્યમાં પકડાયા છે. ત્યારે વધુ એક ગારનેટ કોઈન નામનું ક્રિપ્ટો કરન્સી કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધીને વધુ બે આરોપીઓને પકડી પાડ્યા છે. સુરતના ગારનેટ કોઈન કૌભાંડમાં છેતરપિંડીનો આંકડો અત્યારે રૂા.ર૦.પ૧ લાખ સુધી પહોંચ્યો છે. ત્યારે તપાસમાં છેતરપિંડીનો આંકડો ઊંચે જાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. અત્યાર સુધી ગારનેટ કોઈનમાં સીઆઈડી ક્રાઈમે કુલ ચાર આરોપીને પકડ્યા છે. જ્યારે ૧ આરોપી ફરાર છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુપેન્દ્ર પટેલે સીઆઈડી ક્રાઈમમાં કરેલી ફરિયાદ મુજબ આરોપી રીતેશ સોજિત્રા, હિરલ ઉર્ફે હિરેન કોરાટ, ભાવિક કોરાટ, અનિલ ગોહિલ અને હિતેશ વઘાસિયાએ ગુનાહિત ષડયંત્ર રચી આરબીઆઈની કોઈપણ મંજૂરી વિના ગારનેટ કોઈન અને તેની વેબસાઈટ બનાવી ગારનેટ નામની કરન્સી બહાર પાડી હતી. સુરતમાં ગારનેટ કોઈનની ઓફિસ ખોલીને સુરતમાં જુદી-જુદી જગ્યાએ ગારનેટ કોઈનમાં રોકાણ કરવા ભવ્ય પ્રમોશન કર્યું હતું. જેમાં ટૂંકા ગાળામાં વધુ નફો મેળવવાની જાહેરાત કરી લોકોને રોકાણ કરાવી કંપનીની ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા. જેમાં ફરિયાદી ભુપેન્દ્ર પટેલ સહિત અન્ય રોકાણકારોના રૂા.ર.પ૧ લાખ રોકાણ કરેલા હતા. ત્યારે ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમે તપાસ કરતાં ગારનેટ કોઈનમાં રોકાણના નામે અત્યાર સુધી કુલ રૂા.ર૦.પ૧ લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે વધુ તપાસમાં છેતરપિંડીનો આંકડો વધવાની શક્યતા છે. ત્યારે આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ સુરતના પીએસઆઈ એમ.એમ.સરવૈયા કરી રહ્યા છે. ત્યારે આ કેસમાં અગાઉ આરોપી રિતેશ સોજિત્રા અને હિરલ ઉર્ફે હિરેન કોરાટની અટકાયત કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે વધુ બે આરોપી હિતેશ પ્રફુલભાઈ વઘાસીયા અને અનિલ બાલાભાઈ ગોહિલ (બન્ને રહે. સુરત)ને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી હિતેશ અને અનિલ ગારનેટ કોઈનમાં રપ ટકાના ભાગીદાર હતા.
દર ૧૦ દિવસે કોઈનનો ભાવ વધશે કહીને રોકાણકારોને જાળમાં ફસાવ્યા
ગારનેટ કોઈનની જાહેરાત કરી તેમાં રોકાણ કરવાના નામે લલચામણી વાતો કરી આઈ.સી.ઓ દરમ્યાન કોઈનનો ભાવ ૭ રૂપિયા રાખીને દર ૧૦ દિવસે કોઈનનો ભાવ વધશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ ગારનેટ કોઈનનો ભાવ ટૂંકાગાળામાં રૂા.ર૦૦ થઈ જશે. તેથી તેમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ હજારો રોકાણકારોની લલચામણી જાહેરાતમાં ફસાવીને કોઈનનો ભાવ રૂા.૪ર સુધી પહોંચાડીને રોકાણકારોએ રોકેલા નાણાં લઈને ઓફિસ બંધ કરીને પાંચેય માસ્ટર માઈન્ડ રફુચક્કર થઈ ગયા હતા.
Recent Comments