જૂનાગઢ, તા.૧પ
તાપમાનમાં ભારે ઘટાડો થતા જૂનાગઢ શહેર નજીક ગિરનાર પર્વત ખાતે હાડ ધ્રુજાવતી ૩.પ ડિગ્રી ઠંડી અનુભવાઈ છે. જ્યારે ૮.પ ડિગ્રી તાપમાનથી જૂનાગઢના જનજીવનને પણ ભારે અસર પહોંચી છે. ગિરનાર પર્વત ઉપર અતિશય ઠંડીને કારણે પ્રવાસીઓ ઠૂંઠવાઈ ગયા હતા. ગિરનાર પર્વત ખાતેના જળસ્ત્રોત પણ બર્ફીલા થઈ ગયા હતા. તેમજ વન્ય જીવો પણ ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા હતા.
જૂનાગઢ અને સોરઠ પંથકમાં કાતિલ ઠંડીનો દોર યથાવત છે અને જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા એક પખવાડિયાથી સમગ્ર ગુજરાત ભરમાં અસહ્ય અને કાતિલ ઠંડી રહી છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરી એમ બે દિવસ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં શિયાળામાં કમોસમી વરસાદ થતાં ખેત પાકોને નુકસાન પહોચ્યું છે. ગઈકાલે સવારથી જ ઠંડા પવનો સાથે કાતિલ ઠંડી રહી હતી અને દિવસ દરમ્યાન જળવાયેલી આ ઠંડીએ લોકોને ફરજિયાત ગરમ વસ્ત્ર ધારણ કરવા પાડ્યા હતા અને ઠંડીને કારણે પશુ, પક્ષીઓને પણ અસર પહોંચી છે. ભવનાથ તળેટી ખાતે આવનારા પ્રવાસીઓની સંખ્યામાં કોઈ ફેરફાર નહોતો અને પ્રવાસીઓની બસો અવિરત ચાલુ રહી હતી.