(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૪
ગિરનાર રોપ-વેનાં સામાનને અપરસ્ટેશન અંબાજી ખાતે પહોંચાડવા માટે લેવાયેલાં માલવાહક હેલિકોપ્ટરનું ટાંય..ટાંય…ફીશ થઈ ગયું છે. ભારે પવનનાં કારણે માલવહન કરવામાં મુશ્કેલી સર્જાતા લાલઢોરી પાસે જ માલને પડતો મુકવાની હેલિકોપ્ટર ચાલકને ફરજ પડી હતી. જૂનાગઢનાં ગિરનાર પર્વત ઉપર રોપ-વેની કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવા માટે સરકાર અને ઉષા બ્રેકો કંપનીએ કમર કસી છે. ખાસ કરીને ૩૩૦૦ ફૂટ જેટલી ઉંચાઈએ આવેલાં અંબાજી સ્થાનક પાસે બનનાર અપર સ્ટેશન ઉપર રોપ-વેનો સામાન પહોંચાડવા હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. શનિવારથી હેલિકેપ્ટર દ્વારા માલવહન કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ રવિવાર સુધીનાં ર દિવસમાં હજુ સફળતા મળી નથી. રવિવારે માલવાહક હેલિકોપ્ટરે સવારે ૮ વાગ્યે ૯૦૦ કિલોનો સામાન લઈ ઉડાન ભરવાની કોશિષ કરી હતી. પરંતુ નિષ્ફળતા મળી હતી. ધુમ્મસ અને ઝાકળને કારણે ગિરનાર પર્વત ઉપર ફુંકાતા તેજ ગતિનાં પવનનાં કારણે હેલિકોપ્ટરે બેલેન્સ ગુમાવતાં લાલઢોરી પાસે જ સામાન પડતો મુકવાની ફરજ પડી હતી.