જૂનાગઢ, તા.૨૪
ગુજરાત પ્રવાસનનાં મહત્વકાંક્ષી રોપ-વે-પ્રોજેક્ટનું લોકાર્પણ વહેલી તકે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે અને આ પ્રોજેક્ટને યાત્રિકો-પ્રવાસીઓ માટે ખુલ્લો મુકશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત બાદ સૌથી મહત્ત્વપૂર્ણ ગિરનાર રોપ-વે-પ્રોજેક્ટનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે, જેનાથી પ્રવાસન ક્ષેત્રે અનેકવિધ નવીન તકોનું સર્જન થશે. અનેક ક્ષેત્રોમાં નંબર ૧ નું સ્થાન ધરાવતું ગુજરાત દેશના સૌથી મોટા રોપ-વે, ગિરનાર રોપ-વે-પ્રોજેક્ટ જૂનાગઢની જ નહિ પરંતુ સમગ્ર રાજ્યના પ્રવાસન ઉદ્યોગ માટે મહત્ત્વપૂર્ણ પરિયોજના છે. રોપ-વે માં ટોચ ઉપર પહોંચવામાં ફક્ત ૮થી ૧૦ મિનિટનો સમય લાગશે અને જમીનથી ૯૦૦ મીટર જેટલી ઊંચાઈ સુધી જશે. આ રોપ-વેનું નિર્માણ પેસેન્જર રોપ-વેના સંચાલન અને જાળવણીમાં ૫૦થી વધુ વર્ષોનો સમૃદ્ધ અનુભવ ધરાવતી ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. અંદાજીત રૂા. ૧૩૦ કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.