ઉના, તા.૧૯
ગીરગઢડા તાલુકાના જામવાળા ગામે વર્ષ ૨૦૧૫માં થયેલ હત્યામાં સંડોવાયેલા આરોપી પૈકીના બે આરોપીઓને ઉના સેશન્શ કોર્ટ આજીવન કેદની સજા ફટકારેલ જ્યારે એક આરોપી સગીર વયનો હોવાથી બાળ અદાલતમાં તેનો કેસ પેન્ડીંગ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડા તાલુકાના જામવાળા ગામે ગત તા.૫/૮/૨૦૧૫નાં રાત્રીના સમયે રમેશભાઇ બચુભાઇ ભીલ (ઉ.વ.૩૦) નામનો યુવાન તેના બે મિત્રો ભૂતપ મંગા તેમજ દિનેશ દુદા સાથે ગામના ત્રણ રસ્તા બાયપાસ નજીક પુલ પાસે ઉભા હતા. આ વખતે ત્યાં સદામ ઉર્ફે શરીફ હારૂન બેલીમ રહે.જામવાળા વાળો ત્યાં આવી રમેશ સાથે અગાઉ બોલાચાલી અને ઝગડો થયેલ હોય તેનું મનદુઃખ રાખી ગાળો આપી હું તને જોઇ લઇશ તેવી ધમકી રમેશને આપી ત્યાંથી જતો રહેલ ત્યારબાદ રમેશ તેમજ તેમના બન્ને મિત્રો સાથે બાઇક પર બેસી ત્રણ રસ્તા પાસે આવેલ અને ત્યાં ઉભા રહી વાતો કરતા હતા એ વખતે અચાનક ત્રણ બાઇક પર સદામ ઉર્ફે શરીફ હારૂન તેમજ તેમનીમાં ઝરીનાબેન તેનો ભાઇ અલ્તાફ તેમજ ઇલ્યાસ તથા હુસેન મામદ સમેજા, આમદ ઉર્ફે આમદો ઉમરભાઇ સમેજા, હુસેન મામદ સમેજા, રસીક વલકુ, અયુબ જાનમહમદ બ્લોચ, મહમદ હુસેન ઉર્ફે બુઢો હુસેન હાથમાં લાકડી તથા ધોકા લઇને આવેલા અને ઝરીના બહેને રમેશ બચુને પકડી રાખેલ અને બાકીનાં આરોપીઓએ આ ત્રણેય શખ્સોને શરીરે આડેધડ લાકડી તથા ધોકાથી મારતા હતા આ વખતે ગ્રામજનો એકત્ર થઇ જતા વચ્ચે પડી ત્રણેયને મારથી છોડાવેલ ત્યાર બાદ ઢોરમાર ખાધા બાદ આ ત્રણેય મિત્રો બાઇક લઇ ઉંદરી ગામે ભુપત મંગાના મિત્ર પ્રતાપ ગીગા કેશવાલાની વાડીએ ગયેલ ત્યાં ભૂપત તથા દિનેશ જમિને સુઇ ગયેલ પરંતુ રમેશભાઇ જમ્યા વગર સૂઇ ગયેલ અને સવારે દિનેશ તથા ભૂપત જાગેલ અને રમેશ જાગેલ નહી. તેથી તુરંત જ તેમને મૃત જાહેર કરેલ અને પી.એમ. કરેલ અને પી.એમ રીપોર્ટમાં માથાના ભાગે ઇજા થવાથી મોત નિપજેલ હોવાનો રીપોર્ટ આવેલ આ અંગેની ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આરોપીને અટક કરેલ સેશન્શ કોર્ટ આ હત્યાના બનાવમાં સંડલવાયેલા આરોપી પૈકી સદામ ઉર્ફે શરીફ હારૂન બેલીમ તેમજ હુસેન મામદ સમેજાને આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબનો ગુન્હામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારેલ ત્થા દરેક ને રૂ. ૧૩ હજારનાં દંડનો હુકમ કરેલ જ્યારે આ હત્યામાં સંડોવાયેલ બાળ આરોપી મદમદ હુસેન ઉર્ફે બુઢા હુસેનનો કેસ બાળ અદાલતમાં પેન્ડીંગ છે. જ્યારે અન્ય આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવેલ .