ઉના, તા.ર૬
ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે રહેતા અજીતભાઇ બાલુભાઇ ગોહીલની વાડીમાં ૫ાંચ સિંહ પરિવારએ રહેણાંક બનાવી લીધુ હોય તેમ છેલ્લા બે દિવસથી સિંહો ગામમાં લટાર કરવા પહોચી જાય છે. ગામમાં માલઢોર પશુ પર હુમલા કરે છે આઠ ગાયોને મોતને ઘાટ ઉતારી મિજબાની માણી ચાલ્યા ગયેલ છે. આ પાંચ સિંહ પરીવારે અન્ય બે ગાયો પર હુમલો કરતા ગંભીર રીતે ઇજા થતા જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહી છે. એક સાથે પાંચ સિંહ પરીવાર અવાર નવાર ગામમાં આવી ચડતા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે. રાત પડે અને ગામમાં રહેણાંક વિસ્તારોમાં કલાકો સુધી આટાફેરા કરી ઢોરને નિશાન બનાવી મારણ કરી વહેલી સવારે નાશી જાય છે. આ વિસ્તારમાં સિંહોથી લોકોમાં ભય ફેલાતા વનવિભાગ દ્વારા આ સિંહ પરીવારને ગામથી દૂર જંગલ તરફ ખસેડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામેલ છે.