ઉના, તા.ર૩
નાઘેર પંથકમાં મેઘરાજા બીજી દિવસે પણ હેત વરસાવતા હોય તેમ ગીરગઢડા પંથકમાં આજે બીજા દિવસે પણ ૧થી ૩ ઇંચ વરસાદ વરસી જતાં ધરતીપુત્રો ગેલમાં આવી ગયા અને વ્યાપક વરસાદને પગલે ગીરગઢડા નજીકથી પસાર થતી રૂપેણ નદીમાં પ્રથમ વખત પૂર આવતા લોકો પૂરને નિહાળવા ઉમટી પડ્યા હતા..
ગીરગઢડા પંથકમાં આજે બપોર બાદ મેધરાજાએ વરસવાનું શરૂ કરતા માત્ર દોઢ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતા લોકોમાં ખુશી જોવા મળતી હતી. ગીરગઢડા પંથકમાં સનવાવમાં પણ ધોધમાર ૨ ઇંચ જેટલો વરસાદ વરસી ગયેલ તે સિવાય ગીર જંગલ નજીક આવેલ ગ્રામ્ય વિસ્તાર જેવા કે જામવાળામાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ વરસી જતાં મોલાતને જીવનદાન મળી ગયેલ તેમજ થોરડી, ભાખા, ખીલાવડ સહીતના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયેલ જ્યારે ધોકડવામાં ગઇકાલે ૪ ઇંચ જેટલો વ્યાપક વરસાદ વરસ્યા બાદ આજે મેધાવી માહોલ વચ્ચે હળવું ઝાપટું વરસી ગયું હતું.
ગીરગઢડા પંથકમાં ગીરજંગલ બોર્ડર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક વરસાદને લીધે નદી-નાળા લાંબા સમય બાદ પાણી ભરાયેલ જોવા મળતા હતા.
ગીરગઢડા ૨ ઇંચ, જામવાળા, હડમળિયા અઢી ઇંચ, સનવાવ, ફરેડા, જાખિયા, બાબરિયા ૨ ઇંચ, સીમાસી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે હરમડિયા નજીક આવેલ શાંગાવાડી નદી તેમજ રૂપેણ નદીમાં પણ પૂર આવ્યું હતું.
કપાસ, મગફળીના પાકને નવું જીવનદાન મળ્યું
વરસાદ ખેચાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા. ત્યારે ગીરગઢડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા કપાસ મગફળીના પાકને નવુ જીવનદાન મળ્યું હોવાનું ધરતીપુત્રો જણાવી રહ્યા છે.