ઉના,તા.૩
ગીરગઢડા તાલુકામાં પથ્થરોની ખાણનું મોટું નેટવર્ક ચાલે છે. આ દેશમાં કોઈ કાયદો ન હોય એવા વ્હેમમાં ભુમાફિયાઓને કોઇનો ડર નથી. આવા ભૂમાફીયા ખુલ્લે આમ ખનિજ ચોરી કરતા હોવા છતાં તંત્ર તેની સામે પગલા લેવા અંચકાતા હોય છે. આમ પ્રજાની નજર સામે કુદરતી ખનિજ ખુલ્લે આમ કાઢવામાં આવે છે. ફરિયાદ કરનારાને આવા તત્વો ખોટી રીતે ફસાવી પરેશાન કરે છે. અને ઉલટાનું જેતે ફરિયાદીને ફસાવવા તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ ભૂમાફીયાઓ સાથે મળી પરેશાન કરતા હોવાના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના ખનિજ કચેરીમાંથી સેટીંગ દ્વારા ચાલતા ગે.કા. ખનિજ ચોરી પકડવા નિકળતી ગાડીઓ ખનિજ માફીયાઓની ખાણો પર પહોંચે તે પહેલા ભૂમાફીયાઓ સુધી તમામ માહીતીઓ મળી જતી હોય છે. જેના કારણે ગે.કા. સરકારી જમીનોમાં ખનિજ કાઢતા તત્વો પોતાની માયાઝાળ સંકેલી સમુસરખુ કરી લેતા હોય છે. ત્યાર બાદ અધિકારીઓ સાથે ચેકિંગ કરી ફરી આ ખનિજના કાળા વેપારો શરૂ કરી દેતા હોય આમ પ્રજાનો અવાજ દબાઇ જતો હોય છે. કોઇપણ જાતના ડર વગર બેરોકટોક ખનિજ જમીનના પેટાળમાંથી કાઢી ખુલ્લે આમ સરકારને લાખો રૂપિયાનુ નુકશાન કરી રહ્યા છે. અને રોયલ્ટીની પણ ચોરી કરી આ વિસ્તારનું હજારો એકર ગૈચરને સાફ કરી દેવાતા પશુધન માટે મુશ્કેલી સર્જાયેલ છે. ગીરગઢડાના જામવાળા, સનવાવ, દ્રોણ, કોદીયા અને આ પંથકના અનેક ગામોને અડીને આવેલી જંગલ વિસ્તારની હદમાં બેરોકટોક ખનીજનો કારોબાર લાંબા સમયથી ચાલતો હોય આ બાબતે મુખ્યમંત્રીઓ સુધી રજૂઆતો થતી હોવા છતાં તંત્રના અધિકારીઓ મૌન બની તમાસો જોતા હોવાનો શૂર લોકોમાં ઉઠી રહ્યો છે.