(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા,તા.૨૦
એક સમયે ગીરનું જંગલ સિંહોનું છેલ્લું આશ્રય સ્થાન હતું. અહીં ૧૯મી સદીની શરૂઆતમાં સાવજોનો સફાયો લગભગ તમામ જગ્યા ઓ પરથી થઇ ગયેલ અને ગીરના જંગલમાં જ માત્ર વેઢે ગણાય તેટલા સાવજો હોવાની વાત જૂનાગઢના નવાબ જાનને થઇ હતી. ગીરનુ જંગલ તે સમયે જૂનાગઢને આધિન હતું. તેથી જૂનાગઢ નવાબ દ્વારા સિંહોના શિકાર અને સિંહોને હેરાન કરવા પર પ્રતિબંધ મૂકી વન્ય પ્રાણી ધારો લાગુ કરી સિંહોનું સંરક્ષણ કરવામાં આવ્યું હતું. બાદમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો અને સિંહો દિન પ્રતિદિન તેનો વસ્તારો તેની મેળે વધારવા લાગ્યા. જે ફળ સ્વરૂપ આજે સિંહોની સંખ્યા ૭૦૦ થી વધુ હોવાનો અંદાજ છે.
ગીર સુધી સીમિત રહેલા સિંહો હવે તેના મૂળ સ્થાનો જે વર્ષો પહેલાં જે જગ્યાઓ પર અસ્તિત્વ હતું. ત્યાં ફરી પુનઃ સ્થાપિત થઇ રહ્યા છે. અહીં ખાસ કરી અમરેલીનો રેવન્યુ વિસ્તાર ક્રાક્ચ. સાવરકુંડલા, મીતિયાળા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, વડાલ, બીડથી લઇ ચેક ધોળીકુઈથી જેસર રાહા ગાળા સહિતના વિસ્તારમાં સિંહો સ્વયં હાલ પુનઃ સ્થાપિત થઈ રહ્યા છે. અહીંનું હવામાન પણ તેને માફક આવી ગયું છે. જેમાં લીલિયાનો ખારાપાટ વિસ્તાર તો સંપૂર્ણ ખારો છે. અહીં નદીના પાણી પણ ખારા અને ક્ષારયુક્ત છે. છતાં અહીં સાવજોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. તેવી જ રીતે રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમાં તો ૭૦થી વધુ સાવજો હોવાનું અનુમાન છે. જે સાવજો દરિયાના વિસ્તારમાં રહેવા હવે ટેવાઈ ચુક્યા છે. ત્યારે પર્યાવરણ વિદ ચિરાગભાઈ આચર્યના જણાવ્યા અનુસાર ૧૮૧૪ માં પાલનપુર ૧૮૩૦માં અમદાવાદ ગ્રામ્ય ૧૮૩૨માં વડોદરા અને ૧૮૯૧માં છેલ્લો સિંહ આબુ તેમજ બનાસકાઠામાં હોવાનો ઉલ્લેખ બ્લેન્ફોરડે પોતાના એક પુસ્તકમાં નોંધ્યો છે. ત્યારે આજની જે તમામ જગ્યા પર સાવજો છે. તે તમામ જગ્યાઓ પર સો વર્ષ પહેલાં સાવજો હતા. તે હવે ફરી તેની મૂળ જગ્યાઓ પર પાછા ફર્યા છે. સિંહોના મૃત્યુદર કરતા સિંહોનો જન્મદર ઉંચો છે. જે વન વિભાગની તકેદારી અને સિંહ સૈંરક્ષણની સારી કામગીરીને આભારી છે. ત્યારે ગીરના જંગલના રાજાઓ હવે દરિયાના રાજા પણ બની ચુક્યા છે અને ફરી પોતાના વડવાઓના આશ્રય સ્થાનમાં એક-દોઢ સદી બાદ પુનઃ પધારી રહ્યા છે. તે નરી વાસ્તવિકતા છે.