(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧પ
ગીર-બોર્ડર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. હિંસક પ્રાણીઓના વધતાં જતાં હુમલાઓના કારણે સંખ્યાબંધ ખેડૂતોને ઈજા તેમજ માનવ મૃત્યું પણ થયાં છે વિસાવદર પંથકમાં પણ ૭૪ ગામના ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. દરમ્યાન ગઈકાલે ભારતીય કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને વનવિભાગના પદાધિકારીઓ સાથે એક બેઠક મળી હતી અને ભારતીય કિશાન સંઘ દ્વારા વનવિભાગને અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. તેમજ હિંસક પ્રાણીના હુમલાથી મૃત્યું પામેલનાં પરિવારને રૂા.૧૦ લાખનું વળતર ચૂકવવાની પણ માંગણી કરવામાં આવી હતી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ તમામ વિસ્તારોમાં જંગલના રાજા વનરાજ પાંજરામાંથી બહાર આવી ગયા છે. જ્યારે ખેડૂતોને પાંજરામાં રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગીર બોર્ડરના જંગલ વિસ્તાર આસપાસ રહેતાં ખેડૂતોને પડતી અનેક અગવડતા અને અનેક માંગણીઓ અંગે આજે ભારતીય કિશાન સંઘના સંયોજક મનસુખ પટોળિયાની આગેવાની હેઠળ વનવિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ૧૩ મુદ્દાઓને લઈ માંગણી કરવામાં આવી છે. આ માંગણીમાં ખેડૂતોને ખેતીકામ દરમ્યાન હિંસક પ્રાણીના હુમલામાં મોતને ભેટે તો તેના પરિવારને ૧૦ લાખનું વળતર આપવું તેમજ ઘાયલ થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નાણા આપવા તેમજ કાયમી અપંગતા આવે તો તેને તાત્કાલિક પ૦ ટકા સહાય ચૂકવવા માંગણી કરવામાં આવી છે. જંગલ ખાતાની જમીન છે. તે સિવાય ગામડામાં ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર હોય છે. તે જગ્યા જંગલની નથી. તે ગૌચરાં જેમ કે ડેડકિયાળી જંગલમાં કનડો ડુંગર રેવન્યું વિસ્તારમાં છે. જંગલમાં નથી તો અહીં જંગલખાતા દ્વારા હેરાનગતી કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે. પંચાયત વનીકરણ માટે આપેલ જગ્યાઓ તેમનો સમય પુરો થયે ખેડૂતોને પશુઓ ચરાવવા માટે આપવામાં આવે છે. બોર્ડરના ગામોમાં રહેણાંક મકાન ખેતીવાડીમાં બનતા મકાનો ભરતી માટે માટી તથા વાડીએ જવા માટેના રસ્તાઓ બનાવવા માટી નાખવાની મંજૂરી આપવામાં આવે, જંગલ વિસ્તારના બોર્ડર ઉપરના ગામોમાં રહેણાંક હેતુ માટે ખેતીમાંથી બિનખેતી કરવા તાત્કાલિક વનવિભાગ દ્વારા એનઓસી આપવામાં આવે તેમજ રસ્તાઓ બનાવવા માટે મંજુરી આપવામાં આવે જેમાં વાણિયાવાવથી સાસણ, બામણાસાથી જાંબુવાળા, બોરવાવથી સાસણ, જશાપુરથી અમૃતવેલ, સાસણથી સતાધાર, જામવાળાથી ધારી અને વાડલાથી બામણાસા રસ્તા બનાવવા મંજુરી આપે તેમજ બોર્ડ (ર) પાસેના ગામોના ખેતીની જમીનમાં વિજપોલ નાંખવા અને વીજ ફિડરો ઊભા કરવાની મંજુરીની માંગ કરી હતી.