ઉના, તા. ર૧
ગીર સોમનાથ જિલ્લાની રચના બાદ સમગ્ર જિલ્લાના ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ગ્રામ પંચયાતમાં તલાટીમંત્રીઓની સંખ્યા ઘટવાના કારણે વિકાસ કામો ઠપ્પ થયા છે અને ૪૪ ગ્રામ પંચાયતો તલાટીમંત્રી વિહોણી હોવાની વિગત મળી રહી છે. ગીર ગઢડાના સનવાવ ગામે તો મૃતક અને જન્મ દાખલા પણ તલાટીમંત્રીના અભાવે નિકળતા નથી.
ગીર સોમનાથ જિલ્લામાં તલાટીકમ મંત્રીઓની ઘટને લઈ તપાસ કરાતા મોટા ભાગની તાલુકા પંચાયતોના પદાધિકારીઓ તલાટીમંત્રી મૂકવાની જિલ્લાના અધિકારી પાસે માગણી કરતા હોય છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારોના વિવિધ ક્ષેત્રે વિકાસ કરવા સરકારની અનેક યોજના અમલમાં મૂકાયેલ છે. આ યોજના લોકો સુધી પહોંચે તેમજ લોક સમસ્યાઓનો સમયસર ઉકેલ આવે અને રેવન્યુ વસુલાત જેવી કામગીરી જેના ભાગે ફાળવાય છે. તે તલાટી મંત્રીઓની ઘટના કારણે પ્રજા મુશ્કેલી અનુભવી રહી છે. ગીરગઢડાના સનવાવ ગામે તલાટી મંત્રીને લાંબા સમયથી લોકોએ જોયા નથી. પંચાયતના સદસ્યના સગાનું મરણ થવા છતાં તે અવસાનનો દાખલો કઢાવવા તલાટીમંત્રીની કાગડોળે રાહ જોતા હોવાનું જણાવે છે.
આ ઘટ ખાળવા એક તલાટી મંત્રીને બે ચાર ગામોના વધારાના ચાર્જ સોંપવાના કારણે તે દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારમાં સમયસર પહોંચી શક્તા નથી. ગીરગઢડામાં તલાટી મંત્રીની ઘટ ખાળવા તંત્રએ ત્રણ ગામનો ચાર્જ આપ્યો છે. પણ ગામ લોકોના કહેવા પ્રમાણે આ તલાટી મંત્રી હજુ સુધી ડોકાયા જ નથી. વધારાના ગામોનો ચાર્જ લેનાર તલાટી મંત્રીઓએ સોમવાર-મંગળવાર અઠવાડિયામાં બે દિવસ જવાનું નક્કી કરાયેલ હોવા છતાં જતાં ન હોવાની રાવ ઉઠી છે. નવાઈની વાત એ છે કે ગ્રામ પંચાયતની ચાવી પણ તલાટીમંત્રીઓ પોતાના કબ્જામાં રાખતા હોવાના કારણે અલીગઢના તાળા લટકતા જોવા મળે છે. આ તલાટી મંત્રીઓ વિશે પંચાયતના સરપંચો અને બોડીના સભ્યો વારંવાર રંજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ આવતો નથી. જિલ્લામાં તલાટી મંત્રીઓની ઘટતી જગ્યા પર નજર કરવામાં આવે તો વેરાવળ તાલુકામાં ૪૬ તલાટી મંત્રી સામે ૪૧ છે અને પાંચ તલાટીમંત્રી ઘટે છે. કોડીનારમાં ૫૪ ગ્રામ પંચાયત વચ્ચે ૪૪ તલાટીનું સેટપ છે. અને ૩૬ તલાટી મંત્રી છે અને ૬ તલાટી મંત્રીની ઘટ છે.
ગીરગઢડા તાલુકામાં ૫૬ ગ્રામ પંચાયત વચ્ચે ૪૨ નું સેટપ છે તેમાં ૩૭ ની ભરતી કરાયેલ છે. ૫ાંચની ઘટ છે. ઉના તાલુકામાં ૧૧ તલાટી મંત્રી ઘટી રહ્યા છે. તાલાળા તથા સુત્રાપાડા તાલુકામાં ૯ તલાટી મંત્રીની ઘટ છે. આમ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૩૨૮ ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાં ૨૬૬ તલાટીમંત્રીનું સેટપ છે. અને ૨૨૨ તલાટી મંત્રી દ્વારા કામગીરી લેવાય છે. આમ ૪૪ તલાટી મંત્રી ઘટી રહ્યા છે. આ આંકડાઓ સામે ઘણા તલાટી મંત્રી બીમારી, વયમર્યાદા તેમજ પોતાના પારાવાહીક પ્રસંગપાત્ર ગેરહાજર રહેતા હોવા અથવા રજાઓના કારણે પંચાયત કચેરીમાં જતા ન હોય તેના કારણે ગ્રામ્ય પ્રજા વિકાસના કામોથી તેમજ સરકારી યોજના અને રેવન્યુ શૈક્ષણિક તેમજ જન્મમરણ દાખલા આવક અને પછાત વર્ગના દાખલાઓના કારણે પરેશાન બની રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાની ૪૪ પંચાયતો તલાટી વિહોણી : વિકાસ કામો ઠપ્પ

Recent Comments