(સંવાદદાતા દ્વારા) ઉના, તા.ર૧
ઉના ખેતીવાડી શાખાની કચેરીએ રૂબરૂ મુલાકાત લેતા ત્યાં વિસ્તરણ અધિકારી જિલ્લામાં મિટીંગમાં હોય હાજર એક માત્ર ગ્રામસેવક બહેને માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.૧૩ નવે.થી અરજી સ્વીકારવાનું બંધ કરી દેવાયું છે. તો બીજી તરફ હાલ આવેલ અરજીનો સર્વે પણ થઈ ચુક્યો છે અને અહેવાલ મોકલી દેવાયેલો છે. જો કે, ઉના ગીરગઢડાના મોટાભાગના ખેડૂતોને અરજીની છેલ્લી તારીખની ખબર ન હોવાના કારણે તેવો હજુ પણ કચેરીના ધક્કા ખાય છે. જ્યારે આ બાબતે ગીરગઢડા વિસ્તરણ અધિકારી ભાર્ગવભાઇ સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ જણાવેલ હતું કે, અમોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા વોટ્સએપ પર હાલ સર્વે ફોર્મ સ્વીકારવાનું ફરી સુચના ન મળે ત્યા સુધી બંધ કરી દેવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી અમોએ ફોર્મ લેવાના બંધ કરી દીધા છે. ત્યારે મોટો પ્રશ્ન એ છે કે, સરકારમાં હાલ શું વોટ્સએપથી જ કામગીરી થાય છે ? કોઈપણ જાતના પરીપત્ર વગર સર્વે ફોર્મ સ્વીકારવાનું બંધ કરી દેવાતા ખેડૂતોમાં ભારે હોબાળો મચી ગયો છે. જો કે, અન્ય તાલુકામાં સર્વે ફોર્મ આ તારીખ પછી પણ સ્વીકારાતા હોય ત્યારે આ બે તાલુકામાં શા માટે સર્વે બંધ કરી દેવાયો તે એક મોટો પ્રશ્ન છે. અત્રે ઉલ્લખનીય છે કે, ઉના ખેતીવાડીની કચેરીમાં પણ ફોર્મ સ્વીકારે છે પરંતુ સાથે પત્ર બતાવી તારીખ ચાલી ગઇ હોવાથી સર્વે થશે કે નહીં તે અંગેની બાહેંધરી આપતા નથી. તા.૧૩ નવે.ના સરકારે કમોસમી વરસાદથી નુકસાની થયેલ ખેડૂતોને સહાય ચુકવવાની જાહેરાત કરી હતી અને તે જ દિવસથી સર્વે ફોર્મ સ્વીકારવાનું બંને તાલુકામાં બંધ કરી દેવાયુ હતું.
ઉપરાંત ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ અંગેની કોઇ જાણકારી જ ગ્રામ પંચાયત કે ખેડૂતોને આપવામાં આવી ન હતી અને ઓચિંતા જ ઉપરથી સૂચના છે તેમ કહી ફોર્મ સ્વીકારવાનું બંધ કરી દેવાયું છે તેમજ ઉના અને ગીરગઢડા તાલુકાની કચેરીમાં કોઇ લેખિત પરીપત્ર આવ્યો નથી. પરંતુ મૌખિક સૂચનાથી સર્વે ફોર્મ સ્વીકારવાનું બંધ કરી દેવાતા કયા આધારે સર્વે બંધ કર્યો તે અંગે ખેડૂતોમાં ભારે ચર્ચા જોવા મળી છે.
ધારાસભ્ય પુંજાભાઇ વંશે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, હાલ ઉના અને ગીરગઢડા મળી માત્ર અંદાજે ૨૯૫ જેટલી અરજી આવી છે. જ્યારે અન્ય તાલુકામાં ૨૦ હજારથી વધુ અરજીઓ છે ત્યારે આ બે તાલુકાના બાકી રહી ગયેલા ખેડૂતોની અરજી સ્વીકારાય તેવી માંગ કરી છે.
ગીર-સોમનાથ જિલ્લા ખેતીવાડી અધિકારીની વોટ્સએપ પરની સૂચનાથી સર્વેના ફોર્મ સ્વીકારવાની કામગીરી બંધ

Recent Comments