(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૮
ગૂગલ, ઉબેર, એમેઝોન અને ફેસબુક જેવી કંપનીઓમાં દેશ-વિદેશના કામ કરતા ભારતીય અને ભારતીય મૂળના આઇટી એન્જિનીયરોએ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)ના વિરોધમાં ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં આ કાયદાને ફાસીવાદી કાયદો ગણાવવામાં આવ્યો છે. આ પત્ર પર ૧૫૦થી વધુ એન્જિનીયરોએ હસ્તાક્ષર કર્યા છે. એન્જિનીયરોએ અલ્ફાબેટના સુંદર પિચાઇ, માઇક્રોસોફ્ટના સત્યા નડેલા, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને રિલાયન્સના મુકેશ અંબાણી જેવા ઉદ્યોગ જગતના લોકોને આ કાયદાની જાહેરમાં ટીકા કરવાની અપીલ કરી છે.
‘ટેક અગેન્સ્ટફાસિઝ્‌મ’ નામથી લખેલા આ પત્રમાં એન્જિનીયરોએ દાવો કર્યો છે કે તેમના સમૂહમાં એન્જિનીયરોથી માંડીને સંશોધકો, વિશ્લેષકો અને ડિઝાઇનર્સ પણ સામેલ છે. આ સમૂહમાં અમેરિકા, બ્રિટન, ઇઝરાયેલ અને ભારતમાં કામ કરતા લોકો સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમૂહે સીએએ અને એનઆરસીને મુસ્લિમ વિરોધી ગણાવ્યા છે. પત્રમાં સીએએ અને એનઆરસી સામે ઉઠાવવામાં આવી રહેલા અવાજ દબાવવાનો આરોપ મૂકીને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાની પણ ટીકા કરવામાં આવી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમે એન્જિનીયર્સ, સંશોધકો, વિશ્લેષકો અને ડિઝાઇનર્સ ફાસીવાદી ભારત સરકાર અને નાગરિકો પર આચરવામાં આવેલી ક્રૂરતાની ટીકા કરીએ છીએ. પ્રદર્શનકારીઓ સામે રાજ્ય દ્વારા પ્રાયોજિત બર્બતા તાકીદે બંધ થવી જોઇએ. એન્જિનીયરોએ અલ્ફાબેટના સુંદર પિચાઇ, માઇક્રોસોફ્ટના સત્યા નડેલા, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને જિઓના મુકેશ અંબાણી, ઉબેરના દારા ખોસ્ત્રોશાહી, ભારતીય એરટેલના ગોપાલ વિઠ્ઠલ, ફ્લિપકાર્ટના કલ્યાણ કૃષ્ણમૂર્તિ અને એડોબના શાંતનુ નારાયણને ભારતના સરકારના નિર્ણયની ટીકા કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. તેઓએ એવી અપીલ કરી છે કે સરકાર સાથે યુઝર્સની માહિતી શેર કરવાનો ઇનકાર કરે અને સરકારના કહેવાથી ઇન્ટરનેટ બંધ નહીં કરે.