(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
સુરત નજીક હાઈવે ઉપર ભાડાનું મકાન રાખી ગુગલ મેપથી સુરતના ઝાંડી ઝાંખરાવાળી જગ્યાની આસપાસના રો-હાઉસ, બંગલા કે ગાળા ટાઈપના મકાનો સર્ચ કર્યા બાદ રેકી કરી રાત્રીના સુમારે ચોરીના ગુનાને અંજામ આપતી આંતર રાજ્ય બંગાળી ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.
ઍસીપી આર.આર.સરવૈયા અને પીઆઈ ઍલ.ડી.વાગડિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે વખતે મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી આંતરરાજ્ય બંગાળી ગેંગના મોહમંદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ (ઉ.વ.૩૫, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ પ્રશ્વિમ બંગાળ), મોહમંદ ફારૂખ ઉર્ફે લોટન અબ્દુલ શેખ (ઉ.વ.૫૪,વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ કોલકાતા), હાલીમ આબુલહુસૈન શેખ (ઉ.વ.૩૦, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ પ.બં) અને હફીઝુલ મંડલ કીબરીયા મંડલ(ઉ.વ.૪૭, વરેલી ગામ,મૂળ પ.બં), હસનૈન ઉર્ફે સુમન જલાલ ખાન (ઉ.વ.૩૦,વરેલી ગામ, મૂળ આસામ)ને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી રોકડા ૫૪૦૦, મોબાઈલ નંગ-૬, બે કાંડા ઘડ઼િયાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપીયા ૪૩,૧૨૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં સુરતની આજુબાજમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી બપોરે જમ્યા બાદ બસ, છકડા કે ભાડાની ગાડીમાં ઝાંડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાઍ સાંજના અને રાત્રીના સુમારે રેકી કર્યા બાદ ઝાંડી ઝાખરામાં સંતાઈ જતાં અને રાત્રે દોઢથી બે વાગ્યાશ્વમાં બંધ મકાને ટાર્ગેટ કરી ચોરી કરતા હતા.