અમદાવાદ, તા. ૧૧
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની સતત પાંચમી વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ અને આરોગ્યલક્ષી બાબતો, પીવાના પાણીની સ્થિતી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના પૂરવઠાની ઉપલબ્ધિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી તેમજ અન્ય મંત્રીઓ પોતાના જિલ્લાઓમાંથી સહભાગી થયા હતા. રાજ્ય મંત્રીમંડળની આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, ઊનાળાની ઋતુમાં રાજ્યમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઊભી ન થાય. એ માટે જિલ્લા કલેકટરે સ્વયં દેખરેખ રાખે. તેમણે એવી પણ તાકીદ કરી કે, અત્યારે રાજ્યમાં પીવાના પાણીનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે ત્યારે વિતરણ વ્યવસ્થાની કોઇ ખામી ન સર્જાય તે કલેકટરો સુનિશ્ચિત કરે. મુખ્યમંત્રીએ જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં કે અન્યત્ર જ્યાં હેન્ડપંપ બગડી ગયા હોય કે પાણી ઊંડું ગયું હોય ત્યાં રિપેરીંગ ગેંગ મોકલીને સત્વરે ચાલુ કરાવી દેવા પણ સૂચનાઓ આપી છે. કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં હવે તેનો વ્યાપ વધુ ફેલાય નહિ તેની તકેદારીઓ રાખવાની સ્પષ્ટ સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જ્યાં વધુ પ્રમાણમાં લોકો આવતા-જતા હોય તેવા માર્કેટ માર્કેટયાર્ડ, જાહેર સ્થળો, બજારો વગેરે સ્થળે જિલ્લાતંત્ર દ્વારા થર્મલગન, સેનીટાઇઝર વગેરેના ઉપયોગ માટે જિલ્લા કલેકટરોને સુચનાઓ કરી હતી તેની વિગતો પણ મુખ્યમંત્રીના સચિવે આપી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના તુવેર તથા એરંડા-ચણા પકવતા ખેડૂતોના વ્યાપક હિતમાં પણ આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્યો કર્યા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, રવિ સિઝન ર૦ર૦-ર૧માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી શુક્રવાર તા. ૧ મે થી તા. ૫ મી મે-ર૦ર૦ સુધી તુવેરની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૧૦૩ ગોડાઉન ખાતે કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. અગાઉ સરકારે તા. ૧-૧ર-ર૦૧૯થી તા. ૧૫-૧-ર૦ર૦ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ તા. ૧-૧-૨૦૨૦થી તા. ૩૦-૩-ર૦ર૦ સુધી ૯૦ દિવસ ખરીદીનો સમય નિર્ધારીત કરેલો હતો. જેમાં ૧૬,૩૪૫ હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થવા પામ્યું હતું. તે પૈકીના ૩૮૮૧ ખેડૂતોએ ૬પ૧૪ મે.ટન તુવેર દાળનું વેચાણ કરેલું છે. વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ને પગલે જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની સ્થિતીમાં ખરીદી તા.ર૩ માર્ચથી મુલત્વી રાખવામાં આવેલી હતી. મુખ્યમંત્રીએ હવે તા. ૧ મે શુક્રવારથી તા. ૫ મે-ર૦ર૦ સુધી આ ખરીદી પૂનઃ શરૂ કરવાના લીધેલા નિર્ણયને કારણે જે ખેડૂતોએ અગાઉ તા. ર૩.૩.ર૦ર૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લીધેલું છે તેવા ખેડૂતો પૈકીના તુવેર વેચાણ માટે બાકી રહેલા ૧૨૪૧૭ ખેડૂતોના તુવેરના જથ્થાની ખરીદી તા. ૧ મે-ર૦ર૦થી તા. પ-પ-૨૦૨૦ સુધી કરાશે.