(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
ગુજરાતના અગ્રણી કથાકાર મોરારીબાપુ અને આહીર સમાજ વચ્ચેનો વિવાદ ઠારવાના પ્રયાસો વચ્ચે આજે ફરી એવી ઘટના બની કે તેને લઈને રાજ્યમાં ચકચાર વ્યાપી જવા પામી છે. આહીર સમાજની માગણી મુજબ દ્વારકા ખાતે માફી માંગવા પહોંચેલ મોરારીબાપુ ઉપર ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરાતા બધા સ્તબ્ધ થઈ ગયા હતા. રીતસર મોરારીબાપુ ઉપર હુમલો કરવા આગળ વધેલ ભાજપના પબુભા માણેકને સાંસદ પૂનમ માડમે વચ્ચે પડી અટકાવી બચાવી લીધા હતા. કથાકાર મોરારીબાપુએ શ્રીકૃષ્ણ અંગે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. જેને પગલે આહીર સમાજ સહિતના લોકો મોરારીબાપુ સામે રોષે ભરાયા હતા. આહીર સમાજની માંગ હતી કે મોરારીબાપુ દ્વારકામાં આવીને શ્રીકૃષ્ણની માફી માંગે. આથી મોરારીબાપુ આજે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. પરંતુ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે, મોરારીબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા મોરારીબાપુને બચાવી લેવાયા હતા. વાયરલ વીડિયોમાં દર્શાવ્યા મુજબ પુનમબેને પબૂભાને કહ્યું બાપુ મારા સમ છે રેવા દો. ત્યારે પબુભા તુકારે બાપુને કહે છે કે, મોરારી બહાર નીકળ. અન્ય લોકો પબુભાને રહેવા દો બાપુ કહીને બહાર લઇ જાય છે તેમ વીડિયોમાં જણાવાયું છે. મોરારીબાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. આ સમયે પબુભા અચાનક આવ્યા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પૂનમ માડમે વચ્ચે પડીને મોરારીબાપુને બચાવી લીધા હતા. પૂનમ માડમ મોરારીબાપુની બાજુમાં જ બેઠા હતા. એટલે જેવા પબુભા હુમલો કરવા દોડ્યા કે પૂનમ માડમે તેમને રોકી રાખ્યા અને બાદમાં એક યુવાન પબુભાને બહાર લઇ ગયા હતા. તેમ છતાં પણ પબુભાનો આક્રોશ શાંત ન પડ્યો અને ફરી હુમલો કરવા દોડ્યા. આ સમયે પણ પૂનમ માડમે તેમને રોકી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તલગાજરડામાં યોજાયેલી માનસ ગુરૂ વંદના કથામાં મોરારીબાપુએ કહ્યું હતું કે, મારાં કોઈ પૂર્વ નિવેદનથી જો કોઈને પણ, કશુંય દુઃખ પહોંચ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. હું કોઇ પણ પરિસ્થિતિને પ્રભુનો કૃપા પ્રસાદ જ સમજું છું. હું સંવેદનાનો આદમી છું. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. આપ સહુ મારા પોતાના છો. એમના કોઇને પણ મારી કોઈ વાત ગમી ન હોય તો આપ સહુની સમક્ષ હું નિર્મળ સાધુભાાવથી કહું છું કે આપ ભલે મને પોતાનો ન સમજો તો પણ હું આપ સહુને મારા પોતાના જ સમજું છું. મારા માટે તો “વસુધૈવ કુટુમ્બકમ છે. હું માત્ર મારા ભજનમાં મગ્ન રહું છું. કેટલાક સમયથી મારા અગાઉના શ્રીકૃષ્ણ અંગેનાં નિવેદનને લઈને કેટલાક વિવાદો ઊભા થઈ રહ્યા છે. પરંતુ શ્રીકૃષ્ણ મારા ઇષ્ટદેવ છે. મારી પરંપરા નિંબાર્કી છે. અમારૂં ધામ મથુરા-દ્વારકા છે. અમારો ઘાટ વિશ્વાસ છે. અમારી પરિક્રમા ગિરિરાજની છે. અમારો વેદ સામવેદ છે. અમારૂં ગોત્ર અચ્યૂત છે અને હરિનામ મારો આહાર છે. સાધુના અંતરના ભાવથી મારા કોઈ નિવેદનથી દુનિયાના કોઇ પણ માણસનું દિલ દુખાય એ પહેલા તો હું સમાધિ લેવાનું પસંદ કરીશ. બાપુની જે વાત દ્વારા ગેરસમજ ઊભી કરવામાં આવી હતી, એ વખતે બાપએુ કૃષ્ણના આખરી વર્ષોમાં એમણે જે દર્દ ભોગવ્યું હતું તેની પ્રસ્તુતિ- અભિવ્યક્તિ તેમણે પોતાની રીતે, લોક ભાષામાં કરી હતી. એના શાસ્ત્ર પ્રમાણ પણ છે જ. પરંતુ બાપુ કોઈ શાસ્ત્રાર્થમાં માનતા નથી. બાપુ શાસ્ત્રક્રમને બદલે સાધુક્રમને પ્રાધાન્ય આપે છે. એટલે જ સાધુના અંતઃકરણની પ્રવૃત્તી પ્રમાણે એમણે કૃષ્ણના જીવનની વેદના, રડતાં હૃદયે અને અશ્રુ ભીની આંખોએ ‘માનસ શ્રીદેવી’ કથાગાન સમયે વ્યક્ત કરી હતી.