• નવી સોલાર પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે

• નવી પોલિસીથી પાવર કોસ્ટ રૂા.૪.પ જેટલી આવશે

• સોલાર પ્રોજેક્ટ્‌સ સ્થાપવા ઉદ્યોગ સેકશન્ડ લોડ અને કોન્ટ્રાક્ટ ડિમાન્ડના પ૦ ટકાની હાલની લિમિટ દૂર કરાઈ

અમદાવાદ, તા.ર૯
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોલાર પાવર પોલિસી ૨૦૨૧ની જાહેરાત કરી. આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આ પોલિસીને કારણે ગુજરાતના નાના અને મોટા ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. આ પોલિસીને કારણે ઉત્પાદન ખર્ચ ઓછો આવશે. નવી પોલિસીથી પાવર કોસ્ટ લગભગ ૪.૫ રૂપિયાની આસપાસ આવશે. હાલ ઉદ્યોગોને આઠ રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી આપવામાં આવી રહી છે. આ પોલિસી આવતાની સાથે મેડ ઈન ગુજરાત વિશ્વભરમાં છવાશે.
આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત સોલાર પાવર પોલિસી ૨૦૨૧થી ઉદ્યોગોની પાવર કોસ્ટ નીચી આવશે, ગુજરાતની પ્રોડક્ટને દુનિયામાં સ્થાન મળશે, આપણા ઉદ્યોગો વધુ ધમધમતા થશે જેનાથી વધુ પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. એટલે કે ઉદ્યોગોની સાથે સાથે સામાન્ય માણસને પણ લાભ થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું કે, ગુજરાતમાં રજૂ કરવામાં આવેલી આ પોલિસી ભારતની પ્રથમ સોલાર પોલિસી છે. આ પોલિસીના મુખ્ય ત્રણ ફાયદા થશે. આ પોલિસીથી વીજળી ઉત્પાદન ખર્ચ ઓછો થશે. દુનિયામાં ગુજરાતની પ્રોડક્ટ્‌સને સ્થાન મળશે અને નાના-મોટા ઉદ્યોગો ધમધમતા થવાથી રાજ્યમાં મોટાપાયે રોજગારી ઊભી થશે.
આ નવી સોલર પાવર પોલિસી આગામી પાંચ વર્ષ એટલે કે ૩૧/૧૨/૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. જેમાં સ્થાપિત સોલર પ્રોજેક્ટ્‌સ માટેના લાભો ૨૫ વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે.
જરૂરિયાત મુજબ ક્ષમતાની મર્યાદા વિના સોલર પ્રોજેક્ટ્‌સ સ્થાપિત કરી શકે છે. જ્યારે હાલના મંજૂર થયેલ લોડ કે કરાર માંગની ૫૦%ની મર્યાદા દૂર કરવામાં આવી છે. ગ્રાહકો તેમની છત કે જગ્યા પર સોલર પ્રોજેક્ટ્‌સ સ્થાપી શકે છે અથવા તેમની છત કે જગ્યાના પરિસરને વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે તૃતિય પક્ષને લીઝ પર પણ આપી શકશે. પ્રોજેક્ટ ડેવલોપર દ્વારા વીજ વિતરણ કંપનીને ચૂકવવાની થતી સિક્યોરિટી ડિપોઝિટની રકમને પ્રતિ મેગાવોટ રૂા.૨૫ લાખથી ઘટાડીને હવે પ્રતિ મેગાવોટ રૂા.૫ લાખ કરવામાં આવી છે. કેપ્ટિવ ઉપયોગ કરતાં ગ્રાહકો માટે તેમના વપરાશ બાદ થયેલ વધારાની ઊર્જા ડિસ્કોમ દ્વારા પ્રતિ યુનિટ દીઠ રૂા.૨.૨૫ પ્રમાણેના દરથી પ્રથમ પાંચ વર્ષ માટે ચૂકવશે. આ નીતિ અંતર્ગત સોલાર પ્રોજેકટ સ્થાપતા ગ્રાહકોને જે અંદાજિત ફાયદો થશે એમાં રહેણાક ગ્રાહકોને રૂા.૧.૭૭/૩.૭૮ પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (કેપ્ટિવ) રૂા.૨.૯૨/૪.૩૧ પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (થર્ડ પાર્ટી સોલાર પ્રોજેક્ટમાંથી ખરીદી) રૂા.૦.૯૧/૨.૩૦ પ્રતિ યુનિટ જેટલો ફાયદો થશે.
નવી સોલાર પોલિસીથી પરંપરાગત સ્ત્રોત-કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ઘટાડો અને પર્યાવરણપ્રિય શુજ વીજ ઉત્પાદનને વેગ મળશે. લઘુ-મધ્યમ ઉદ્યોગકારોની પ્રોડક્શન કોસ્ટ ઘટે ઉદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પિટીશનમાં ઊભા રહે તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. પ્રદૂષણરહિત રિન્યુએબલ એનર્જીના વિકાસમાં આ નવી પોલિસી પ્રેરકબળ પૂરૂં પાડશે.