અમદાવાદ, તા.૧૪
રાજ્યમાં રિક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો છે. રિક્ષાચાલકોએ કપડાં ઉપર બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન પહેરવો પડશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લીધો છે. રિક્ષાચાલક એસોસિએશન સાથે અગાઉ બેઠકો યોજાઈ હતી. આ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કાયદાની જોગવાઈ પ્રમાણે રિક્ષાચાલકોની ઓળખ થઈ શકે એટલા માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્યમાં ઓટો રિક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટરવાહન અધિનિયમ ૧૯૮૮ તથા ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ અંતર્ગત ઓટો રિક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી હતી જેને પગલે સરકારે ૧૬/૧૧/ર૦૧૯ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસંધાને ઓટો રિક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રિક્ષા ડ્રાઈવર્સ એસોસિએશન સાથે બેઠક કરવામાં આવી હતી. આ વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા-વિચારણાના આધારે સરકારે ઓટો રિક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ સંબંધમાં ઠરાવ કર્યો છે. આ ઠરાવ મુજબ રાજ્યના ઓટો રિક્ષા ડ્રાઈવર માટે પહેરેલા કપડાના ઉપર વાદળી કલરના એપ્રનને યુનિફોર્મ તરીકે નક્કી કરવામાં આવે છે. સરકારના આ નિર્ણયનો રિક્ષાચાલકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. લોકડાઉનમાં હાલત કફોડી બની છે ત્યાં યુનિફોર્મ સીવડાવવા ક્યાંથી પૈસા લાવવા ? જો કોઈ રિક્ષાચાલક એપ્રોન ન પહેરે તો જવાબદારી કોની ? શું સામાજિક પ્રસંગોમાં જનાર રિક્ષાચાલકે યુનિફોર્મ પહેરવું પડશે ? જેવા અનેક પ્રશ્નો રિક્ષાચાલકો ઊઠાવી રહ્યા છે. જો કે, સરળતાથી ઓળખ માટે યુનિફોર્મ અંગેનો નિર્ણય લેવાયો છે.

“ગુજરાત સરકાર દ્વારા ઓટો રિક્ષા ચાલકો
માટે યુનિફોર્મના કાયદાનો વિરોધ”

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મોટર વ્હીકલ્સ રૂલ્સનો નવો નિયમ નંબર ૧૬ એચ બનાવીને ગુજરાત રાજ્યના ઓટો રીક્ષા ચાલકોની વાદળી કલરનો એપ્રોન ફરજિયાત કર્યો હોય તે બાબતે જાગૃત ઓટો રીક્ષા ડ્રાઈવર એસોસીએશને વિરોધ નોંધાવ્યો છે અને મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ની કલમ ૨૮ (ડી) મુજબ દરેક પરવાના એટલે કે પીળી નંબર પ્લેટવાળા વાહનોના ડ્રાઇવરોને યુનિફોર્મ પહેરવો ફરજિયાત હોય, પરંતુ આ પ્રકારનું નોટિફિકેશન ફક્ત ઓટો રિક્ષા ચાલકો માટે જ કરવામાં આવ્યું હોઇ, જાગૃત ઓટોરિક્ષા ડ્રાઈર્વસ યુનિયન અમદાવાદે નોટિફિકેશનનો વિરોધ નોધાવ્યો છે. તેમણે પહેલાં હાઇકોર્ટ ઓફ ગુજરાત ખાતે આ બાબત પિટિશનમાં રજૂઆત કરી છે. તેમ જણાવીને રાજ્ય સરકાર દ્વારા ઓટો રિક્ષા ચાલકો સાથે થતાં ભેદભાવનો ને વખોડયો છે. જે ગુજરાત રાજયના ઓટોરિક્ષા ડ્રાઈર્વસના ભારતીય બંધારણના મુળભુત અધિકાર આર્ટીકલ નં૧૪ અને ૧૫નું ઉલ્લંઘન છે. આ બાબતે હાઇકોર્ટ ગુજરાત ખાતે નોટિફિકેશન રદ કરવા બાબતે ઓર્ડર કરાવવા અરજી કરાશે તેમ જણાવેલ છે.