સુરેન્દ્રનગર, તા.૪
ગુજરાત વિધાનસભામાં “ગુજરાત અનુસૂચિત જાતિ પેટા-યોજના અને આદિજાતિ પેટા-યોજના (નાણાકીય સાધનોના આયોજન, ફાળવણી અને ઉપયોગ) બાબત વિધેયક, ર૦૧૮” ઉપર ચર્ચા અને મતદાન થનાર છે. જો આ વિધેયક પસાર થશે તો દલિત અને આદિવાસી સમાજની હજારો વર્ષની પીડા દૂર થશે અને જો-જો આ વિધેયક ભાજપની બહુમતીના જોરે પસાર થશે નહીં તો ઈતિહાસ આપણને આ અમૂલ્ય તક ગુમાવવા બદલ ક્યારેય માફ કરશે નહીં.
અનુસૂચિત જાતિઓ ‘‘અસ્પૃશ્યતા’’ના કારણે ભારતીય જાતિ પ્રણાલીનો ભોગ બનેલી છે અને આજીવિકા, શિક્ષણ અને અન્ય પ્રકારના સાધનો મેળવવામાંથી વંચિત રહેલ છે અને અનુસૂચિત આદિજાતિઓને તેમના જમીન અને સાધનો છીનવી લઈને અસહાય સ્થિતિમાં દૂરના વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યા છે અને તેમને બળજબરીથી તેમના પરંપરાગત વિસ્તારોમાં મોકલી દેવાને કારણે તેમને ગંભીર નુકસાન થયું છે, જેના પરિણામે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓને મોટા પ્રમાણમાં નુકસાન, ભેદભાવ અને ગેરલાભની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમજ અનુસૂચિત જાતિઓ પૈકીના ખાસ નબળા જૂથોને અને ખાસ કરીને નબળા આદિજાતિ જૂથોને, ભેદભાવ અને ગેરલાભની પરિસ્થિતિની વધારે પ્રમાણમાં અસર થાય છે અને મહિલા, બાળકો તથા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓમાંના માથે મેલું ઉપાડનારા અને અશક્ત વ્યક્તિઓ જેવા બીજા નબળા જૂથોએ વધુ ઉપેક્ષાભરી સ્થિતિઓ સામનો કરવો પડ્યો છે.
જો ભાજપના દલિત અને આદિવાસી ધારાસભ્યો પક્ષિય વિચારધારથી ઉપર ઊઠીને સમગ્રપણે દલિત અને આદિવાસી સમાજના સર્વાંગી કલ્યાણ માટે આ વિધેયકને ટેકો આપે તો આ ક્રાંતિકારી વિધેયક વિધાનસભામાં પસાર થઇ શકે. આ વિધેયક પસાર થવાથી દર વર્ષે દલિત સમાજને આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા અને આદિવાસી સમાજને દર વર્ષે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી થશે. આમ, દસ વર્ષના સમયગાળામાં દલિત સમાજને ૧,૫૦,૦૦૦ કરોડ રૂપિયા તથા આદિવાસી સમાજને ૨,૫૦,૦૦૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થશે. આમ, ૪ લાખ કરોડ જેવી માતબર રકમ દલિત અને આદિવાસી સમાજના કલ્યાણમાં ખર્ચ થશે, તથા હાલ જે રીતે આ વર્ગો માટે ફાળવાતી ગ્રાન્ટ-ફંડનો દુરૂપયોગ પણ બંધ થઇ જશે, આમ થવાથી તો આખરે ગુજરાતના ૧૮,૦૦૦ ગામડાઓનો પણ સાચા અર્થમાં વિકાસ થશે.
અમો સમગ્ર પણે આપને સમાજ વતી પ્રાર્થના કરીએ છીએ કે, ગુજરાતની વિધાનસભામાં તા.૧૨/૩/૨૦ના રોજ આ વિધેયક ઉપર મતદાન થાય ત્યારે સમાજની સાથે ઊભા રહી, સમાજ સાથે ગદ્દારી ન થાય તે માટે આ વિધેયક સર્વ સંમતીથી પસાર થાય એ માટે પ્રયત્નો કરવા જોઈએ.